ટાયરના ભંગારના ડેલામાં આગ લાગતા ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓ દ્વારા આગ બુઝાવાઈ : ફરિયાદ નોંધાવવા તજવીજ મોરબી : મોરબી માળીયા હાઇવે પર ટીમ્બડી ગામના પાટિયા પાસે આવેલ ભંગાર ટાયરના ડેલામાં ગતરાત્રીના ભયાનક આગ લાગતા ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવવો પડ્યો હતો, જો કે ચોકાવનારી બાબત તો એ છે કે આ આગ લાગી ન હતી પરંતુ બે અજાણ્યા શખ્સો દ્વારા લગાવવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી - માળીયા હાઇવે પર ટીમ્બડી ગામના પાટિયા પાસે આવેલ ભંગાર ટાયરના ડેલામાં મોડી રાત્રીના આગ લાગતા નગરપાલિકાના ફાયરબ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવી ત્રણ ગાડીઓ દ્વારા આગ કાબુમાં લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે નટરાજ ફાટક નજીક ભંગારના ડેલામાં પણ વિકરાળ આગ લાગી હતી તેના માલિકના નજીકના સગાના ડેલામાં ગતરાત્રીના આગની ઘટનાથી લાખો રૂપિયાનું નુકશાન પહોચ્યું હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ નિકટતમ વર્તુળોએ જણાવ્યું હતું કે ભંગાર ટાયરના જથ્થામાં ઈરાદા પૂર્વક આગ લગાડવામાં આવી હતી અને બે અજાણ્યા શખ્સો ટાયરના જથ્થામાં પેટ્રોલ છાંટી આગ લગાડી નાસી છૂટ્યા હોવાનું બહાર આવતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી નજીક જ આવેલ હોટલના સીસીટીવી ફુટેજના આધારે આગ લગાડનાર શખ્સોને શોધી કાઢવા ભંગારના ડેલાના માલિક દ્વારા ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આમ, બે દિવસના સમય ગાળામાં મોરબીના એક જ પરિવારના બબ્બે ડેલામાં આગની ઘટના વેરભાવ અને ઈરાદા પૂર્વક બની હોવાનું સ્પષ્ટ બન્યું છે.