આરટીઓ કહે છે પોસ્ટ ઓફિસ લાયસન્સ લિવરીના બિલ મોડા મોકલે છે, પોસ્ટ ઓફિસ કહે છે આરટીઓ પૈસા ચુકવતું નથી : હજારો લાયસન્સ પોસ્ટ ઓફિસમાં ફસાયા મોરબી : મોરબીમાં રામ ભરોસે ચાલી રહેલ આરટીઓ ઓફિસ અને પોસ્ટ ઓફિસમાં સંકલન અને પૈસા ચૂકવણીમાં ગજગ્રાહ શરૂ થતા છેલ્લા એકાદ માસ કરતા વધુ સમયથી પોસ્ટ ઓફિસ દ્વારા લાયસન્સ નાગરિકો સુધી પહોંચાડવાનું બંધ કરી દેવાતા હાલમાં અનેક લાયસન્સ મોરબી પોસ્ટ ઓફિસમા ધૂળ ખાઈ રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લો અલગ બન્યા બાદ આરટીઓ કચેરી અલગથી મળી છે પરંતુ ધણી ધોરી વગરની આરટીઓ કચેરીમાં આવતા અરજદારોને અનેક મુશ્કેલી પડી રહી છે અને ફોર વ્હીલ લાયસન્સની ટ્રાયલ માટે રાજકોટના ધક્કા ખાવા પડી રહ્યા છે ત્યારે હમણાં હમણાં આરટીઓ કચેરી દ્વારા પોસ્ટવિભાગને લાયસન્સ ડિલિવરીના નાણાં ચુકવવામાં ન આવતા અનેક લાયસન્સ હોલ્ડરોને પોતાના લાયસન્સ મળ્યા નથી પરિણામે લાયસન્સ નીકળી ગયું હોવા છતાં પણ વાહનચાલકોને લાયસન્સ વગર વાહન ચલાવી પોલીસને દંડ ભરવો પડે છે. મોરબી આરટીઓના સત્તાવાર સૂત્રોએ વર્તમાન પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે મોરબી શહેરના લાયસન્સ પહોંચાડવા માટે આરટીઓ દ્વારા પોસ્ટ વિભાગને રૂપિયા 15 ચુકવવામાં આવે છે અને ગ્રામ્ય વિસ્તારમાં લાયસન્સ ડિલિવરીના 35 ચુકવવામાં આવે છે પરંતુ સરકારની જોગવાઈ મુજબ પોસ્ટ વિભાગ નિયમિત રૂપે બિલ મોકલતું ન હોય આરટીઓ દ્વારા આ બિલ તિજોરી કચેરીમાં મોકલવામાં વિલંબ થાય છે, આ મામલે પોસ્ટવિભાગને ટકોર કરવા છતાં પણ બિલ ન માલ્ટા હોવાનું આરટીઓ કચેરીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. બીજી તરફ મોરબી પોસ્ટઑફિસનાં પોસ્ટ માસ્તર મહેતાબેને આરટીઓ તરફથી છેલ્લા એક માસથી લાયસન્સ ડિલિવરીના પૈસા ન ચુકવવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે હાલમાં પોસ્ટ વિભાગે લાયસન્સની ડીલેવરી બંધ કરી દીધી છે. જો કે સત્ય તો એ છે કે, હાલમાં મોરબી આરટીઓ અને પોસ્ટ ઓફિસના પાપે હજારોની સંખ્યામાં લાયસન્સ ધૂળ ખાઈ રહ્યા છે અને બાપડા બિચારા નાગરિકો વિના કારણે લાયસન્સ વગર વાહન હંકારવા મજબુર બની પોલીસને દંડ ચૂકવી રહ્યા છે. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='35485,35486']