હળવદમાં હડકવા વિરોધી રસીને અભાવે ત્રણેય ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબી ખસેડાયા હળવદ : હળવદમાં આજે હડકાયા કૂતરાએ આંતક મચાવી સાત વર્ષની બાળકી સહિત ત્રણ લોકોને બચકા ભરી ચુથી નાંખતા ત્રણેયને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના રાતકડી હનુમાન મંદિર નજીક આજે ક્યાંકથી હડકાયું કૂતરું આવી ચડતા અનિતાબેન કાળુભાઇ (ઉ.૭) કાળુભાઇ અરવિંદભાઇ (ઉ.૩૫) અને અંકિતભાઇ આદિવાસી (ઉ.૧૮) રહે. રાતકડી હનુમાન મંદિર નજીક આવેલ વાડી વિસ્તાર વાળાને બચકા ભરી લીધા હતા અને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. વધુમાં ભોગ બનનાર વાડી વિસ્તારમાં કપાસ વિણતા હતા તે દરમિયાન અચાનક હડકાયુ કુતરૂ આવી જતા એક બાદ એક એમ ત્રણેયને ચૂથી નાખ્યા હતા. ઘટના બાદ ત્રણેય ઈજાગ્રસ્તોને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ હડકવા વિરોધી રસી માટે મોરબી રીફર કરાયા હતા.