વાંકાનેર ફેક્ટરી ધરાવતા ઉદ્યોગપતિનું ઇ-મેઇલ હેક કરી નાણાંની તફડંચી : પોલીસ ફરિયાદ મોરબી : વાંકાનેરમાં ફેક્ટરી ધરાવતા મોરબીના ઉધોગપતિનું ઈ-મેઈલ એકાઉન્ટ હેક કરી ગઠિયાએ રૂપિયા 47 લાખની છેતરપિંડી કરતા આ ચોંકાવનારા કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રહેવાસી વસંતભાઈ પટેલ વાંકાનેરના માટેલ રોડ પર સંસ્કાર સિરામિક નામની ફેક્ટરી ધરાવતા હોય તેઓએ ઇટાલીની મશીનરી કંપની સાથે ઈમેલથી મશીનરી મંગાવી હતી જેમાં હેકરે વસંતભાઈના ઇ-મેઇલના અનેક વ્યવહારો આંતરી ઈ-મેલ હેક કરી રૂપિયા 47 લાખની રકમ ટ્રાન્સફર કરી લીધી હતી. વધુમાં આ ભેજાબાજ ગઠિયા દ્વારા ઇટાલીના મોડેનાં શહેરની સીટી-બી એન્ડ ટી કંપનીને ચૂકવવાના રૂપિયા ૪૭,૮૨,૮૯૭ ઈમેલ એકાઉન્ટ હેક કરી મેળવી લીધા હતા જેમાં ઉદ્યોગપતિએ ચૂકવેલું પેમેન્ટ ઈટલીની કંપનીને મળ્યું ન હોવાની ઉદ્યોગપતિને જાણ કરતા આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને આ મામલે ઉધોગપતિ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.