પીપળી રોડ પર મંજૂરી વગર ૬૭ હજાર લીટર બાયોડિઝલ રાખવામાં આવ્યું હોવાનો ધડાકો : પુરવઠા વિભાગને જાણ કરાઈ : તપાસ થાય તો રાજ્યવ્યાપી કૌભાંડ ખુલે મોરબી : પેટ્રોલ ડીઝલના વધતા ભાવને પગલે કમાવા મેદાને પડેલા ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે બાયોડિઝલનો સંગ્રહ અને વેચાણ કરવાના રાજ્યવ્યાપી કૌભાંડમાં મોરબી તાલુકા પોલીસે સુપર - ડુપર ઓપરેશન કરી પીપળી રોડ પરથી રૂ.૬૭ લાખની કિંમતનો બાયોડિઝલનો જથ્થો ઝડપી લેવાતા ખળભળાટ મચી ગયો છે. મોરબી શહેર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બાયોડિઝલનું ગેરકાયદેસર વેચાણ લઇ રહ્યું છે તેમ છતાં પુરવઠા વિભાગ ચુપકી સાધીને હાથ ધરી છે પરિણામે ખુલ્લેઆમ ટ્રક. લકઝરી બસ માં છૂટથી ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે બાયોડિઝલ વેચાણનું લાઇસન્સ પણ નથી હોતું એમ છતાં બેરોકટોક વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ શક્તિસિંહ ગોહિલ અને સ્ટાફના ધ્યાને આવતા પીપળી રોડ પર પટેલ બાયોએનર્જી નામની પેઢીમાં દરોડો પડતા રૂપિયા ૩૪ લાખની કિંમતનો ૬૭ હજાર લીટર બાયોડિઝલનો ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો હતો. વધુમાં મોરબી તાલુકા પોલીસે હાલ તુર્ત આ લાખો રૂપિયાનો જથ્થો સીલ કરી સમગ્ર મામલે જિલ્લા પુરવઠા વિભાગને જાણ કરી હોવાનું બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ડીઝલના ભાવ આસમાને છે ત્યારે કચ્છ-ભુજ સહિત અન્ય જિલ્લામાંથી મોરબી જિલ્લામાં તેમજ રાજકોટ, અમરેલી, સહિતના જિલ્લામાં ગેરકાયદેસર બાયોડિઝલ અને એલડીઓ ઠલવાઇ રહ્યું છે અને કોઈપણ જાતની મંજૂરી બગર આવા બાયોડિઝલના હાટડા ખોલી કાળી કમાણી કરવામાં આવી રહી છે.આ સંજોગોમાં જિલ્લા કલેક્ટર દ્વારા પુરવઠા વિભાગની રહેમથી ચાલતા આ કૌભાંડની તપાસ કરાવે તો મોટાં પ્રમાણમાં જથ્થો પકડાય તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. આ અગાઉ પણ વાંકાનેર તાલુકામાંથી લાખોનું બાયોડિઝલ વેચાણ કૌભાંડ બહાર આવ્યું હતું પણ કાયમી હપ્તા અને દિવાળીના બોનસની લ્હાયમાં પુરવઠા વિભાગ ગેરકાયદેસર રીતે ચાલતા બાયોડિઝલના વેચાણને છુપા આશીર્વાદ આપી રહ્યુ હોવાનું સ્પષ્ટ બન્યું છે. જો કે, હાલ તો મોરબી તાલુકા પોલીસે ગેરકાયદે બાયોડિઝલ વેચાણ ઝડપી લઈ લાખોનો જથ્થો સીલ કરાવી નાખતા જિલ્લા પુરવઠા વિભાગના હપ્તાખોરોના પેટમાં તેલ રેડાયું હોવાનું ટોચના વર્તુળો જણાવી રહ્યા છે.