એસીબીને તપાસ સોંપવા આદેશ બાદ રાજકીય માથાના તપેલા ચડવાની ભીતિ જાગતા ગુલાંટ મોરબી : મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના હેઠળ આચરવામાં આવેલા કરોડોના તળાવ કૌભાંડમાં રાજ્ય સરકારે અચાનક જ સમગ્ર તપાસ એસીબીને સોંપવા હુકમ કર્યાના ૨૪ કલાકમાં જ રાજકીય આગેવાનોના તપેલા ચડી જશે તો ? જેવું મનોમંથન કરી ફરી આ કૌભાંડની તપાસ એ ડિવિઝન પોલીસને સોંપતા આશ્ચર્ય સર્જાયું છે. મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના અંતર્ગત હળવદ, માળીયા, મોરબી સહિતના તાલુકાઓમાં તળાવ ઊંડા ઉતારવા અને તળાવના રીનોવેશન કરવાના નામે મોરબી જિલ્લાના તત્કાલીન કાર્યપાલક ઈજનેર અને તેના મળતિયા કન્સલ્ટિંગ એજન્સીના માલીક દ્વારા ખોટા અંદાજો અને નકશા બનાવી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવતા આ મામલે કાર્યપાલક ઈજનેર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા એ-ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી ચાર આરોપીઓને ઝડપી લઈ કૌભાંડના મૂળ સુધી પહોંચવા ૧૨ થી વધુ ગામોમાં સ્થળ તપાસ પણ કરી હતી. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે કરોડો રૂપિયાના સમગ્ર મહાકૌભાંડની તલસ્પર્શી તપાસ કરવા એસીબીને તપાસ સોંપવા આદેશ કર્યો હતો પરંતુ આજે ચોવીસ કલાકમાં જ આ નિર્ણયમાં ફેરબદલ કરી ફરી પાછી આ તપાસ એ ડિવિઝન પોલીસ મથકને સોંપવા હુકમ કરતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લાનાં કરોડો રૂપિયાના નાની સિંચાઈ યોજનાના તળાવ કૌભાંડમાં અનેક મોટાગજાના રાજકારણીઓના નામ પણ ઉછળી રહ્યા છે અને રાજકીય પક્ષના સંગઠનના હોદેદારોની પણ સંડોવણી આ પ્રકરણમાં ખુલે તેવી દહેશતને પગલે જ આ તપાસ એસીબી પાસેથી પરત લેવામાં આવી હોવાનું જાણકારો ચર્ચિ રહ્યા છે.