દવા લેવા ગયેલ મહિલા સાથે મહિલા કર્મચારીને લપ થતા કાનમાંથી કીડા ખરી પડે તેવી ગાળો નો વરસાદ મોરબી : હરહંમેશ વિવાદમાં ઘેરાયેલ રહેતી મોરબીની સિવિલ હોસ્પિટલમાં દવા લેવા ગયેલ મહિલા સાથે બે મહિલા કર્મચારીઓને નજીવી બાબતે લપ થતા ગુસ્સે ભરાયેલ મહિલા કર્મચારી ઓફિસ છોડી બહાર ઘસી આવી હતી અને મહિલા દર્દી સાથે છુટા હાથની મારામારી ઉપર ઉતરી આવતા મામલો સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ સુધી પહોંચ્યો હતો. પ્રાપ્ત થતી માહિતી મુજબ મોરબીની સિવિલ હોસ્પિટલમાં આજે બપોરે ૧૨ વાગ્યાના અરસામાં બે મહિલા કર્મચારી અને એક મહિલા દર્દી વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. બાદમાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા મહિલા કર્મચારી ચેમ્બર છોડી બહાર ઘસી આવી હતી અને ત્રણે વચ્ચે બેફામ ગાળાગાળી અને મારામારી થતા દર્દીઓના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા અને સમગ્ર મામલો સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ સુધી પહોંચ્યો હતો. જો કે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ આજની આ શર્મનાક ઘટના બાદ હવે મોરબી સિવિલ સતાવાળા દ્વારા પોતાના ગુસ્સેલ કર્મચારીઓ માટે ચિંતન શિબિર ગોઠવવાની તાતી જરૂર હોવાનું જણાઈ રહ્યું છે.