હત્યા નિપજાવનાર સગીર વયના આરોપીને બાળ અદાલતમાં રજૂ મોરબી : મોરબી રવાપર રોડ પર પ્રેમસંબંધ મામલે રાવળદેવ યુવાનને છરીના ઘા ઝીકી રહેંસી નાખવાની ઘટનામાં પોલીસે હત્યા કરનાર સગીર વયના આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. બાદમાં પોલીસ દ્વારા આરોપીને બાળ અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર રાત્રીના સવા દસેક વાગ્યના સુમારે ઘનશ્યામ માર્કેટ નજીક કાલિકા પ્લોટ શેરીના નાકા પાસે રાહુલ અશ્વીનભાઈ ભોજક નામના વીસ વર્ષના યુવાન ઉભો હતો ત્યારે ત્યાં જ બેઠેલા આરોપીએ છરીથી હુમલો કરતા મૃતક યુવાન પોતાના ઘર તરફ દોડીને ભાગ્યો હતો પરંતુ જીવલેણ ઘા ના કારણે ઉભો થઇ શક્યો ન હતો. બીજી તરફ ઈજાગ્રસ્ત રાવળદેવ યુવાન રાહુલ અશ્વીનભાઈ ભોજકને મિત્રો અને સગાંવહાલાં રાહુલને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલમાં અને બાદમાં ગંભીર હાલતમા રાજકોટ સારવારમા લઈ જતા રાહુલે રસ્તામા જ દમ તોડી દીધો હતો જેને પગલે બનાવ હત્યામા પલટાયો હતો. દરમિયાન રાહુલ અશ્વીનભાઈ ભોજકની હત્યા મામલે તેમના માતા ભારતીબેન ભોજકે હત્યા મામલે ઓડ શખ્સ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. બાદમાં આજે એ ડિવિઝન પીઆઇ ચૌધરી સહિતના પોલીસ સ્ટાફે આ સગીર વયના આરોપીને ઝડપી પાડી તેને બાળ અદાલતમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.