આરોપીએ લૂંટના ઇરાદે ગળાટૂંપો દઈને વૃધ્ધાની બેરહેમીથી હત્યા કરી હોવાની કબૂલાત : એલસીબીએ એમપી જઈને આરોપીને દબોચ્યો મોરબી : મોરબીના નવા જાંબુડિયા ગામે તાજેતરમાં થયેલી વૃધ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. વૃધ્ધાના હત્યારાને એલસીબીએ મધ્યપ્રદેશથી દબોચી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂ પીવાના પૈસા માટે લૂંટના ઇરાદે આ વૃધ્ધાની હત્યા કરી હોવાની આરોપીએ કબુલાત પણ આપી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના નાના જાંબુડિયા ગામે એકલા રહેતા વિધવા વૃધ્ધા બેબીબેન ઉર્ફે કાળીબેન પરસોતમભાઈ સારલાની ઘરમાંથી લાશ મળી હતી. આ વૃધ્ધાની હત્યા થઈ હોવાનું જણાય આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં મોરબી એલસીબીએ ચોક્કસ બાતમીને આધારે આ કામના આરોપી વિનોદ ગિરીધર ડામોર ઉ.વ. ૨૪ને મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી દબોચી લીધો છે. આરોપીએ કબુલાત પણ આપી કે તેને લૂંટના ઇરાદે વૃધ્ધાની ગળોટૂંપો દઈને હત્યા નિપજાવી હતી. એલસીબીએ આરોપી પાસેથી વૃધ્ધાના રૂ. ૩૦ હજાર રોકડ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.