રાજ્યના મુખ્યમંત્રીને ધગધગતું આવેદનપત્ર પાઠવાયું મોરબી : શનિવારે રાજ્યમાં થયેલ ત્રણ દુર્ભાગ્યપૂર્ણ દુષ્કર્મની ઘટનાઓ ગુજરાત માટે શર્મનાક ગણાવી મોરબી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આરોપીઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને અનુશાસન વિદ્યાર્થી પરિષદ પોતાની ગતિવિધિઓના માધ્યમથી શીખવતું આવ્યું છે ત્યારે ગુજરાતમાં ગત શનિવારે ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ સાબરકાંઠા અને સુરત જીલ્લામાં ૧૪ મહિના અને ૫ વર્ષની ઉંમરની એમ ત્રણ દીકરીઓ સાથે બળાત્કારની ઘટના નારીને શક્તિ તરીકે પૂજનાર ગુજરાત અને નવરાત્રીમાં શક્તિ આરાધનાના પર્વને લોકપર્વ તરીકે ઉજવતા ગુજરાતમાં આવી ઘટનાઓ શર્મનાક હોવાનું જણાવી ગુજરાત પ્રદેશ જીલ્લા કલેકટરનાં માધ્યમથી ઘટના બિંદુ પર ધ્યાન દોરી મુખ્યમંત્રી ગુજરાત રાજ્યને આકરા શબ્દોમાં રજુઆત કરી હતી. વધુમાં ઉપર્યુક્ત ઘટનાઓ ગુજરાતની શાંતિ અને સમૃદ્ધિની છાપને ખરાબ કરે છે તેથી અ.ભા.વિ.પ. દ્વારા બધા જ આરોપીઓને ફાસીની સજા ઝડપથી આપવામા આવે તેવી માંગ ઉઠાવી મધ્યપ્રદેશમાં જેમ ૨૦ દિવસમાં બળાત્કારના આરોપીને ફાસીની સજા આપવામા આવી હતી તે જ રીતે ગુજરાતમાં પણ તેથી પણ ઓછા સમયમાં સજા આપવામા આવે જેથી સમાજમા સખ્ત સંદેશ આપવા રજુઆતમાં જણાવ્યું હતું. આ ઉપરાંત આ ઘટનાઓમાં પીડિત માતા-પિતા નિર્ધન અને મજુર છે, તેથી તેના બધા પ્રકારના ઉપચાર અને કાયદાકીય ખર્ચ સરકાર દ્વારા વહન કરવામાં આવે અને પીડિત બાળકીઓનાં જીવનની સુરક્ષા પર પણ પ્રશ્રાર્થ ઉભો થયો છે જેના પર સરકાર ગંભીરતાથી વિચાર કરે તેમ જણાવી પીડિત માસુપ બાળકીઓ ૧૪ મહિના અને ૫ વર્ષની છે, તેમના ઉપચારની વ્યવસ્થાની સાથે સાથે એમનાં શિક્ષણનો સમસ્ત ભાર સરકાર ઉપાડે તેવી માંગણી અ.ભા.વિ.૫. દ્વારા સરકાર પાસેથી ઝડપી સકારાત્મક કાર્યવાહી કરવા જણાવ્યું હતું અન્યથા આંદોલનની તરફ અગ્રેસર થવું પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.