ઉપવાસ આંદોલન ચોથા દિવસમાં પ્રવેશ્યું વાંકાનેર : વાંકાનેરમાં ધાર્મિક કાર્ય માટે ફાળો ઉઘરાવતા સેવાભાવી સ્વયંસેવકોને વાંકાનેર સીટી પીઆઇએ ધમકી આપી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યાના આક્ષેપો સાથે પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણીના આગેવાનીમાં ચાર દિવસથી ઉપવાસ આંદોલન શરુ થયું છે જે દિવસે દિવસે જલદ બની રહ્યું છે આજથી જીતુભાઇ સોમણીએ ફક્ત પાણી પી ઉપવાસ શરૂ કર્યા છે. નાસ્તિક જેવું વર્તન કરનાર સીટી પીઆઇ વાઢીયા વિરુદ્ધ પૂર્વ નગરપતિ અને ભાજપ આગેવાન જીતુભાઇ સોમાણીએ ઉપવાસ આંદોલન શરૂ કરતા પ્રદીપભાઈ વાળા (પૂર્વ ઉપાધ્યક્ષ ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ), લાખાભાઈ જારીયા (મોરબી શહેર ભાજપ પ્રમુખ), અશ્વિનભાઈ કોટક (રાજકોટ નાગરિક બેંકના ચેરમેન) તેમજ રાજકોટ લોહાણા સમાજના આગેવાનો પ્રતાપભાઈ કોટક, પરેશભાઈ વિઠલાણી, જતીનભાઈ દક્ષિણી, હરદેવભાઇ માણેક, અશ્વિનભાઈ જોબનપુત્રા અને કુવાડવા લોહાણા સમાજના આગેવાન ભીખાભાઈ પાંચ તથા અન્ય આગેવાનોએ ઉપવાસી છાવણીની મુલાકાત લઈ જીતુભાઈ ને તેમનું સમર્થન જાહેર કરેલ છે. વાંકાનેર સમસ્ત માલધારી સમાજ, દેવીપુજક સમાજ, સમસ્ત રઘુવંશી સમાજ વાંકાનેર, વિશ્વ હિન્દુ પરિષદ, શિવસેના તેમજ કુવાડવા રઘુવંશી સમાજે જીતુભાઈને સમર્થન જાહેર કરેલ છે. ત્યારે આજથી ફક્ત પાણી પી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવતા ભાજપ સરકાર આ આંદોલનની ગંભીર નોંધ લે તેવા સંકેતો મળી રહ્યા છે.