સરકારી જમીન ઉપર દબાણ કરવું ભારે થઈ પડ્યું : જિલ્લા વિકાસ અધિકારીએ હોદા પરથી દૂર કરવા કર્યો હુકમ મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના ઉપસરપંચ દ્વારા સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદેસર રીતે મકાન ખડકી દઈ હોદાનો દુરુઉપયોગ કરી શરમજનક કૃત્ય કરતા મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણાએ ગેરલાયક ઠેરવવા હુકમ કરી હોદા પરથી દૂર કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સરકારી જમીનને પોતાના બાપદાદાની મિલકત સમજી હોદાનો દુરઉપયોગ કરતા રાજકારણીઓને લપડાક રૂપ આ કિસ્સાની વિગતો જોઈએ તો મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના વોર્ડ નંબર - ૧૪ ના ચૂંટાયેલા સભ્ય રાજાભાઈ મનજીભાઈ પરમાર દ્વારા સરકારી ખરાબાના સર્વે નંબર ૧૯૦ ની જમીન ઉપર પાકું છત વાળું મકાન બનાવી વસવાટ શરૂ કરતાં આ મામલે ગામના જ જાગૃત નાગરિક હરિભાઈ લાલજીભાઈ શેરસિયાએ વર્ષ ૨૦૧૭ માં અરજી કરી પંચાયત અધિનિયમ મુજબ રાજાભાઈને ગેરલાયક ઠેરવવા માંગ ઉઠાવી હતી. બાદમાં આ મામલે મહેન્દ્રનગરના ઉપસરપંચ રાજાભાઈ પરમાર દ્વારા મામલતદાર, ડે.કેલકટર, કલેકટર, મહેસુલ સચિવ સુધી દબાણ રેગ્યુલાઈઝડ કરવા કાર્યવાહી કરી હતી પરંતું તમામ જગ્યાએ આ ગેરકાયદે દબાણ મુદ્દે ઉપસરપંચને લપડાક મળી હતી. આ અંગેનો કેસ જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણાની કોર્ટમાં ચાલી જતા પંચાયત અધિનિયમ મુજબ શરમજનક કૃત્ય કરી સરકારી જમીન હડપ કરવાના કારસા બદલ હોદા પરથી દૂર કરવા હુકમ કરતા સરપંચ, ઉપસરપંચ અને ગ્રામ પંચાયતની સભ્ય લોબીમાં ચકચાર મચી જવા પામી છે.