આજે સાંજે મોરબીના નવાગામે આવી પહોંચ્યા બાદ વાળુ કરીને હાર્દિકે ગ્રામજનો સાથે ખાટલા બેઠક કરી : કાલના ઉપવાસમાં જીજ્ઞેશ મેવાણી અને કનુભાઈ કલસરિયા હજાર રહે તેવી શકયતા મોરબી : મોરબીના બગથળા ગામે હાર્દિક પટેલ મુખ્ય ત્રણ માંગણીને લઈને આવતીકાલે મંગળવારે પ્રતીક ઉપાવસ પર બેસશે. આ ઉપાવસના કારણે તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ ઉપવાસના કાર્યક્રમ માટે હાર્દિક પટેલ આજે સાંજે જ નવા ગામ આવી પહોંચ્યો છે. જ્યા તેઓએ ખેડૂતો સાથે ખાટલે બેઠક કરી હતી. મોરબીના બગથળા ગામે આવતીકાલે તા. ૨ને મંગળવારે ગાંધી જયંતીના દિવસે ખેડૂતોના દેવા માફી, પાટીદાર અનામત અને અલ્પેશ પટેલની જેલ મુક્તિ આ ત્રણ મુખ્ય માંગ સાથે હાર્દિક પટેલના પ્રતીક ઉપવાસ યોજાનાર છે. આ કાર્યક્રમની વિગતો આપતા પાસ કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું હતું કે આવતીકાલના પ્રતિક ઉપવાસ માટે હાર્દિક પટેલ આજે મોડી સાંજે મોરબીના નવાગામ આવી પહોચ્યા બાદ તેમનું ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાં તેમણે રાત્રી જમી લીધા બાદ ખેડૂતો સાથે બેઠક કરી તેમની સમસ્યાઓની વિગતવાર માહિતી મેળવી હતી. આવતીકાલે સવારે બગથળા ગામે આવીને તેઓ પ્રતિક ઉપવાસ કરશે. સાધુ સંતોના આશીર્વચન તથા આવનારા મહેમાનોના અભીપ્રાય લેવાશે.આ પ્રતિક ઉપવાસમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. ત્યાં હાર્દિક પટેલ વક્તવ્ય પણ આપશે. સાંજે ૫ કલાકે પ્રતિક ઉપવાસ પુરા થયા બાદ હાર્દિક નસીતપર જઈ ત્યાં રાત્રી જમણ લઈને અમદાવાદ જશે. પાસ કન્વીનર મનોજ પનારાએ વધુમાં જણાવ્યું હતું કે આવતીકાલના કાર્યક્રમમાં ગુજરાતભરના પાસ કન્વીનર હાજર રહેશે. સાથે સાથે જીગ્નેશ મેવાણી તથા કનુંભાઈ કલસરિયા હાજર રહે તેવી સંભાવના છે. હાર્દિક પટેલના ઉપવાસની મંજૂરી અંગે તેઓએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમને મંજૂરી આપવામાં તંત્ર પોઝીટીવ છે અને મંજૂરી મળી જશે. કદાચ મંજૂરી ન મળે તો પણ આ કાર્યક્રમ યોજાશે.