હળવદ: હળવદ તાલુકાના માથક ગામે ગત રાત્રીના જુના મનદુઃખનો ખાર રાખી ગામના જ ત્રણ શખ્સોએ વૃધ્ધ પર જીવલેણ હુમલા કરતા વૃધ્ધને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયારે આ બનાવ અંગે હળવદ પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે જયારે અન્ય બે ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન તેજ કર્યા છે. બનાવની હળવદ પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ પંથકના માથક ગામે ગત શુક્રવારની રાત્રીએ કૃષ્ણસિંહ છત્રસિંહ ઝાલા ગામના ચોરે બેઠા હતા તે અરસામાં આરોપી હરપાલસિંહ જશવંતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ કિશોરસિંહ ઝાલા અને હરપાલસિંહ ઝાલાનો પુત્ર (રહે. તમામ માથક)એ એક સંપ કરી અગાઉથી કાવતરૂ રચી ફરિયાદી કૃષ્ણસિંહ ઝાલાને જાનથી મારી નાખવાના ઈરાદે માથાના ભાગે હુમલો કરવા જતા વૃધ્ધે પોતાનો બચાવ કરતા જતા તેને પીઠ અને હાથના ભાગે તલવારના ઘા લાગ્યા હતા. આરોપીઓ તલવારના ઘા ઝીંકી ફરાર થઈ ગયા હતા. જયારે આ બનાવ અંગે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી એક આરોપીને ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું છે. જયારે અન્ય બે ફરાર આરોપીઓને ઝડપી લેવા તપાસ આદરી છે.