મદીના સોસાયટી, કુલીનગર, રણછોડનગરમાં દુર્ગંધ મારતા પાણીથી લોકો ત્રાહિમામ : રોષે ભરાયેલા રહેવાસીઓનો પાલિકા કચેરીમાં હલ્લાબોલ મોરબી : મોરબીના મદીનાનગર, કુલીનગર, રણછોડનગર સહિતના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાલિકા દ્વારા વિતરણ થતા પાણીમાં ગટરના પાણી ભળી જતા આજે આ વિસ્તારના લોકોએ પાલિકામાં હલ્લાબોલ કરી ગંદા પાણી ચીફ ઓફિસરની ચેમ્બરમા ઢોળી છાજીયા લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મદીનાનગર, કુલીનગર -૧,૨,૩ તેમજ રણછોડનગર સહિતના વિસ્તારમાં નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી અત્યંત દુર્ગંધ મારતું હોય અનેક રજુઆત કરી હતી આમ છતાં નગર પાલિકા દ્વારા કોઈ પગલાં લઈ ગંદુ પાણી વિતરણ બંધ ન કરવામાં આવતા આજે લોકોએ ધીરજ ગુમાવી હતી. અને રોષે ભરાયેલું મહિલા, બાળકો સાથેનું ટોળું પાલિકા કચેરીએ ઘસી જઈને પાલિકામાં ભારે હંગામો મચાવ્યો હતો. જ્યાં કોઈ પણ જવાબદારી અધિકારી કે પદાધિકારી હાજર ન હોવાથી રોષે ભરાયેલા લોકોએ પાલિકાને વારંવાર ફરિયાદ કરવા છતાં ગંદા પાણી વિતરણની સમસ્યા હાલ ન થતા લોકોએ સાથે લાવેલું ગંદુ પાણી પાલિકા કચેરી તથા અધિકારીઓની ચેમ્બરમા જ દુર્ગંધ મારતું પાણી ઠાલવતા હંગામો મચી ગયો હતો. રોષે ભરાયેલા મહિલાઓ સહિતના ટોળાએ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી છાજીયા લીધા હતા. અને જો તેમની સમસ્યા હાલ કરવામાં નહિ આવે તો સોમવારે પાલિકા કચેરીને તાળા મારી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. મોરબીના નીતિન પાર્કમાં પાણીના ધાંધિયા અંગે રજૂઆત મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલી નીતિનપાર્ક વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પાણી વિતરણ બંધ થઈ જતા આજે આ વિસ્તારના રહેવાસીઓએ પાલિકામાં ઉગ્ર રજુઆત કરી હતી. મોરબીને પાણી પૂરું પડતા મચ્છુ ડેમમાં હોવી બે મહિના ચાલે તેટલું જ પાણી છે ત્યારે પાણી વિતરણ અત્યારથી જ ડખ્ખે ચડ્યું છે, નીતિનપાર્કમાં છેલ્લા ચાર દિવસથી નગરપાલિકા દ્વારા પાણી આપવામાં ન આવતા આજે લોકોના ટોળા પાલિકા કચેરીએ ઉમટ્યા હતા અને ઉગ્ર રજુઆત કરી હતી. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='33339,33342,33343,33344,33341,33340']