ડેમી આંદોલનના છઠ્ઠા દિવસે પણ ખેડુતોનું ઉપવાસ આંદોલન યથાવત મોરબી : મોરબી નજીક આવેલ ડેમી - ૩ સિંચાઈ યોજના હેઠળના ૨૦ જેટલા ગામોના ખેડૂતો દ્વારા છેલ્લા છ દિવસથી નર્મદાના નિરથી ડેમ ભરવાની માંગ સાથે ચલાવવામાં આવી રહેલ ઉપવાસ આંદોલનમાં આજે ખેડૂતોએ ડેમી ડેમમાં લસણ અને માટી નાખી ડેમને બુરવા પ્રયાસ કર્યો હતો. ગુજરાત ખેડૂત સંગઠનના નેજા હેઠળ મોરબી જિલ્લામાં ડેમી- ૧,૨ અને ૩ યોજના હેઠળ આવતા જુદા - જુદા ૨૦ જેટલા ગામના ખેડૂતો દ્વારા ડેમી જલાશયને સૌની યોજના હેઠળ ભરવાની માંગ સાથે છેલ્લા ૧૫ દિવસ કરતા વધુ સમયથી આંદોલન શરૂ કરાયું છે જેમાં છેલ્લા છ દિવસથી ડેમી ડેમ સાઇટ પર રોજે રોજ નવતર કાર્યક્રમ આપી ખેડૂતો ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે છતાં પણ આંધળી, બહેરી અને મૂંગી સરકાર ખેડૂતોના આંદોલનની નોંધ પણ ન લઈ રહી હોય આજે ખેડૂતોએ આ ડેમને મોંઘા ભાવના બિયારણ માટે લીધેલા લસણ તેમજ માટી વડે ડેમ બુરવા પ્રયાસ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. મોરબી જિલ્લામાં ડેમી યોજનાના કમાન્ડ એરીયામાં આવતા ગામોના ખેડૂતોના આ આંદોલનમાં પ્રથમ દિવસે ધરણા કરી, બીજા દિવસે હવન કરી ત્રીજા દિવસે ડેમ માં ક્રિકેટ રમી, ચોથા દિવસે ડેમના કેચમેન્ટ એરિયામાં ખાડા કરીને વિરોધ કરવામાં આવ્યો હતો અને આંદોલનના પાંચમા દિવસે મહાદેવ ભગવાન ને આવેદન આપી વિરોધ કરનાર ખેડૂતો હવે આક્રમક મૂડમાં આવી સરકારી બાબુઓ અને સરકારની ઊંઘ હરામ કરવા આવતીકાલથી આંદોલનમાં નવો અભિગમ આપનાવનાર છે. આજે ખેડૂતો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન અંગે ખેડૂત હિત રક્ષક સમિતિના અગ્રણી જામ ખંભાળિયાના પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે ડેમી ડેમ સરકાર પાણીથી ભરતી નથી અને ડેમ બનાવ્યો ત્યારથી જમીન સંપાદનના વળતરના નાણાં પણ આપતી ન હોય નકામા બનેલા ડેમને આજે માટી અમે લસનથી ભરવા પ્રયાસ કરી સરકાર સીધો પોતાની લાગણી પહોંચાડવા ખેડૂતોએ પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. આમ, ૨૦ ગામના ખેડૂતો છેલ્લાં. છ દિવસથી આંદોલન કરી રહ્યા હોવા છતાં સરકાર પાણી આપવું તો દૂર ખેડૂતોની લડતની નોંધ પણ લેતી ન હોય હવે પાણી માટેની આ લડત માં ખેડૂતો સરકારને ભીડવવા આક્રમક તેવર અપનાવે તેમ હોવાના સંકેતો મળી રહ્યા છે.