ફિલ્મમાં કોમેડી સીન આવતા હસી રહેલા યુવાનને માથાભારે ઇસમે માર માર્યો મોરબી : મોરબીના સ્કાય મોલ સિનેમા ઘરમાં ફિલ્મમાં આવેલ કોમેડી સીન વખતે હસી રહેલા યુવાનને માથાભારે શખ્સે હસે છે કે તેમ કહી માર મારતા ચાલુ ફિલ્મે બઘડાટી બોલી ગઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શનાળા રોડ પર આવેલા સ્કાય મોલમાં ગઈકાલે રાત્રે ફિલ્મ જોવા ગયેલા અમિતભાઇ દેવાભાઇ અવાડીયા, ઉ.વ.૧૭, રહે. મોરબી વાવડી રોડ, ધર્મનગર સોસાયટી, વાળા ફિલ્મમાં કોમેડી સીન આવતા મિત્રો સાથે હસતા હતા ત્યારે આરોપી મહમંદ જુનેજ રહે. કાલીકા પ્લોટ વાળાએ હસવાની ના પાડી ગમે તેમ ગાળો બોલી કાંઠલો પકડી નખોરીયા મારી દરવાજા પાસે લઇ ગયો હતો. આ વેળાએ અન્ય લોકો તથા સાહેદો છોડાવવા વચ્ચે પાડતા આરોપીએ વધુ ઉશ્કેરાઇ જઇ ફરીયાદી તથા સાહેદો સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે, પોલીસે હાલ ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.