વોર્ડ - ૧ ના બન્ને ઉમેદવારો અન્ય વિસ્તારમાં રહેતા હોય પોતાને જ પોતાનો મત નહિ મળે મોરબી : મોરબી પાલિકાની આજે યોજાયેલી પેટાચૂંટણીમાં વોર્ડ નંબર - ૧ માં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો મતદાન નહિ કરી શકે ! કારણ, કે બન્ને ઉમેદવારો અન્ય વોર્ડમાં રહેતા હોય પોતાના મતાધિકારનો ઉપયોગ નહિ કરી શકે. સામાન્ય રીતે ચૂંટણી પ્રક્રિયામાં દરેક ઉમેદવાર પોતાને પોતાનો મત આપતા હોય છે પરંતુ આજે યોજાયેલ મોરબી પાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર - ૧ માં ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ ભૂત અને કોંગ્રેસના ઉમેદવાર રાજુભાઈ કાવર પોતે પોતાનો મત નહિ મેળવી શકે. વોર્ડ - ૧ માં પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ ભૂત ચંદ્રેશનગરમાં અને કોંગ્રેસના ઉમેદવાર રાજુભાઇ કાવર રવાપર રોડ પર રહેતા હોવાથી વોર્ડ નંબર - ૧ માં બન્ને ઉમેદવારોના નામ મતદાર તરીકે નોંધાયેલ ન હોય તેઓ પોતાને જ મતદાન નહિ કરી શકે.