ત્રણ વોર્ડમાં ૪૦ મતદાન મથકોમાં ૪૬ ઇવીએમમાં થશે મતદાન : ૮૫ ટકા મતદાન મથકો સંવેદનશીલ હોવાથી ચાંપતો પોલીસ બંદોબસ્ત મોરબી : આવતીકાલે મોરબી નગર પાલિકાની પેટાચૂંટણી માટે ખરાખરીનો જંગ ખેલાવાનો છે ત્યારે ત્રણ વોર્ડની છ બેઠકો માટે ૧૨ ઉમેદવારો મેદાને આવ્યા હોય ૩૧૦૯૯ મતદારો ઇવીએમની સ્વીચ દબાવી તમામ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ કરશે. બાવન સભ્યોના સંખ્યાબળ વાળી મોરબી નગર પાલિકામાં કોંગ્રેસને સ્પષ્ટ બહિમતી મળ્યા બાદ સતાની સાઠ મારીમાં કોંગ્રેસના સાત સભ્યોએ બળવો કરી વિકાસ સમિતિ અને બાદમાં ભાજપનો દામન પકડી લેતા પક્ષાન્તર ધારા હેઠળ સસ્પેન્ડ થતા પાલિકાની પેટાચૂંટણી યોજાઈ છે જેમાં પણ એક બેઠકમાં મતદારયાદીને કારણે ચૂંટણી અટકી જતા હવે આવતીકાલે છ બેઠકો માટે પેટાચૂંટણી યોજનાર છે. આવતીકાલે મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર ૧, ૩ અને ૬ માટે ચૂંટણી યોજવામાં આવનાર છે, કુલ ૪૦ મતદાન મથકો માટે યોજાનારી આ ચૂંટણીમાં ૪૬ ઇવીએમનો ઉપયોગ થશે અને ૪૦૦ જેટલા ચૂંટણી કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરાવશે. વોર્ડવાઇઝ મતદારોની સંખ્યા જોઈએ તો મોરબી પાલિકાની આ પેટાચૂંટણીમાં વોર્ડ નંબર - ૧ માં બે બેઠકો માટે ૫૧૬૮ પુરુષ મતદાર અને ૪૬૨૨ સ્ત્રી મળી કુલ ૯૭૯૦ મતદારો બે ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. એ જ રીતે વોર્ડ નંબર - ૩ માં ૫૯૫૧ પુરુષ અને ૫૪૧૨ સ્ત્રીઓ સહિત કુલ ૧૧૩૬૩ મતદારો એક ઉમેદવારનું ભાવિ નક્કી કરશે. જ્યારે વોર્ડ નંબર - ૬ માટે પેટાચૂંટણી લડતા ત્રણ ઉમેદવારોનું ભાવિ ૫૨૦૪ પુરુષ મતદાર અને ૪૭૪૨ સ્ત્રી મતદાર મળી ૯૯૪૬ મતદારો આ બેઠકનું ભાવિ નકકી કરશે. ઉલ્લેખનીય છે કે મોરબી પાલિકાની ત્રણ વોર્ડની પેટાચુટણીમાં કુલ ૪૦ મતદાન મથકો પૈકી ૩૪ મતદાન મથકો સંવેદનશીલ ગણાવવામાં આવતા કુલ ૮૫ ટકા મતદાન મથકો માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર હોવાનું સતાવાર સુત્રોમાંથી જાણવા મળ્યું છે.