પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ગાંધીજયંતિએ મુખ્ય ત્રણ માંગણી ઉપરાંત કચ્છની જેમ મોરબી જિલ્લાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવાની માંગ બુલંદ બનાવાશે મોરબી : અમરણાંત ઉપવાસ આંદોલન બાદ પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ ફરી મેદાને આવ્યો છે અને મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આગામી ૨ જી ઓક્ટોબરે ગાંધીજયંતિના અવસરે મોરબીના બગથળા ગામે એક દિવસ પ્રતીક ઉપવાસ કરી પોતાની જૂની ત્રણ માંગણીઓને પણ દોહરાવશે. મોરબી જિલ્લા પાસ કન્વીનર મનોજ પનારાના જણાવ્યા મુજબ પાટીદાર અનામત આંદોલન સમિતી મોરબી દ્વારા તારીખ ૨ જી ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિના અવસરે હાર્દીક પટેલ મોરબીના બગથળા ગામે એક દીવસના પ્રતીક ઉપવાસ કરશે, આ ઉપવાસ આંદોલન અંગે રણનીતિ ઘડી કાઢવા આજ રોજ મોરબી ખાતે રાત્રે ૯:૦૦ કલાકે વાવડી રોડ, ગણેશ નગર સામે, પીરની દરગાહ સામે પાટીદાર અગ્રણીઓની અગત્યની બેઠક યોજવામાં આવી છે. વધુમાં બગથળા ગામે હાર્દિક પટેલના એક દિવસના પ્રતીક ઉપવાસ અંગે પાસ કન્વીનર મનોજ પનારાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા અલ્પેશ કાથીરિયાને જેલ મુક્ત કરવા, ખેડૂતોના દેવા માફ કરવા અને પાટીદારોને અનામાત આપવાની મુખ્ય ત્રણ માંગ સાથે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આગામી ગાંધી જયંતિના અવસરે હાર્દિક પટેલ દ્વારા મોરબી જિલ્લાને કચ્છ જિલ્લાની જેમ જ દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આંદોલન કરવામાં આવનાર હોવાનું જાહેર કર્યું હતું. વધુમાં મનોજ પનારાએ જણાવ્યું હતું કે, અપૂરતા વરસાદને કારણે અત્યારથી જ મોરબી જિલ્લામાં પીવાના પાણીની અછત વર્તાઈ રહી છે અને પશુધન બચાવવું મુશ્કેલ બન્યું છે ત્યારે ખેડૂતોની હાલત પણ કફોડી બની હોય જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ અને યુવાનોને વૈકલ્પિક રોજગારી આપવાના મુખ્ય મુદા સાથે હાર્દિક પટેલ બગથળા ગામે એક દિવસના પ્રતીક ઉપવાસ કરશે જેમાં ૫૦૦૦ થી વધુ ખેડૂતો જોડાનાર હોવાનું જણાવ્યું હતું. દરમિયાન મોરબીમાં હાર્દિકના આગમન પૂર્વે શહેરમાં અનેક જગ્યાએ પાસના અલ્પેશ કાથીરિયાને જેલ મુક્ત કરો તેવી માંગ સાથેના હોર્ડિંગ્સ બોર્ડ અને બેનરો જાહેરમાં લાગતા પાટીદાર અનામત આંદોલન ફરી ચર્ચાસ્પદ બન્યું છે.