ડેમી યોજનાના ખેડૂતોએ રેલી કાઢી છાજીયા લીધા : પ્રભુ તારા બનાવેલા માણસો સતામાં મદમસ્ત બન્યા છે ! પાણી છોડવા સદબુદ્ધિ આપજો : દેવાધિ દેવ મહાદેવજીને આવેદનપત્ર પાઠવી કર્યો નવતર વિરોધ મોરબી : ડેમી સિંચાઈ યોજનામાં નર્મદા યોજનના પાણી ઠાલવવાની માંગ સાથે આંદોલન ચલાવી રહેલા ૨૦ ગામોના ખેડૂતોએ આજે પાણી છોડવાની માંગ સાથે રેલી કાઢી હતી અને મહિલાઓએ સરકારના છાજીયા લીધા બાદ દેવાધિદેવ મહાદેવજીને આવેદનપત્ર પાઠવી એકસુરે જણાવ્યું હતું કે પ્રભુ તારા બનાવેલા માણસોને સતા મળ્યા બાદ સતામાં મદમસ્ત બન્યા છે, કોઈનું સાંભળતા નથી તો હે પ્રભુ તું તેમને ખેડૂતોની વેદના સાંભળવા સદબુદ્ધિ આપ ! મોરબી જિલ્લામાં ડેમી ૧, ૨ અને ૩ સિંચાઈ યોજના હેઠળ આવતા વિવિધ ૨૦ ગામના ખેડુતો ગુજરાત કિશાન સંગઠનના નેજા હેઠળ ખેડૂતોને સૌની યોજના હૅઠળ પાણી આપવાની માંગ સાથે શાંતિપૂર્વક રીતે ડેમી - ૩ યોજના ખાતે આંદોલન શરૂ કર્યું છે. આંદોલનના પ્રથમ દિવસે પ્રતીક ધરણા કર્યા બાદ બીજા દિવસે ખેડૂત સંગઠન દ્વારા સરકારને સદબુદ્ધિ માટે યજ્ઞ કર્યો હતો અને ત્રીજા દિવસે ખાલી ખમ્મ પડેલા ડેમમાં ક્રિકેટ રમી સરકારની આંખ ખોલવા પ્રયાસ કર્યો હતો. જો, કે ખેડૂતો દ્વારા પંદર દિવસ પૂર્વે નાયબ કાર્યપાલક ઈજનેર સિંચાઈ યોજનાને અને જિલ્લા કલેકટરને આવેદન આપી શાંતિ પૂર્વક રીતે લડત ચલાવી ગઈકાલે ખાલી ડેમમાં ખાડા ખોદી પાણી કાઢવા પ્રયાસ કરી વિરોધ પ્રદર્શન કરવા છતાં સરકાર તરફથી ૨૦ - ૨૦ ગામના ખેડૂતોની લડતને નજર અંદાજ કરવામાં આવતા હવે ખેડૂતોની ધીરજ ખૂટી રહી છે. દરમિયાન આજે વિસેય ગામના ખેડૂતો દ્વારા વિશાળ રેલી યોજી છાજીયા લીધા હતા અને સંવેદના વગરની સરકાર અમે નિમ્ભર બાબુઓની નીતિથી કંટાળી દેવાધિદેવ મહાદેવના શરણે ગયા હતા અને આવેદનપત્ર પાઠવી ગુજરાત કિશાન સંગઠન દ્વારા પ્રભુ સમક્ષ પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે હે પ્રભુ ! તારા બનાવેલા માણસો સતાના મદ મા આવી મદમસ્ત બન્યા છે અને અમારી લડતને ધ્યાને લેતા નથી તો હે પ્રભુ તું સતામાં મદમસ્ત બનેલા અધિકારીઓ અને નેતાઓને સદબુદ્ધિ આપી અમારા માટે ડેમી યોજનામાં ૮૫૦ એમસીએફટી પાણી છોડવા મંજૂરી આપે તેવું કાર્ય કરજો તેવી અરજ કરી હતી. જો કે નિષ્ઠુર બનેલી પ્રવર્તમાન સરકાર અને સરકારી બાબુઓ દયાવિહીન બનવાની સાથે આંખે અંધ અને કાને બહેરા બન્યા હોવાથી પાંચ - પાંચ દિવસથી ચાલતા આ આંદોલનને ગણકારતા પણ નથી ત્યારે રેલી યોજી મહાદેવજીને પાઠવવામાં આવેલા આવેદન બાદ ઉપરવાળો જાડી ચામડી વાળા અધિકારી પદાધિકારીઓને કેવું જ્ઞાન આપે છે તે જોવું રહ્યું.