એકલી રહેતી વિધવા મહિલાનું અજાણ્યા શખ્સે ગળુ દાબી હત્યા કરી હોવાની આશંકા મોરબી : મોરબીના નવા જાંબુડિયા ગામે ઘરમાં એકલી રહેતી વિધવા મહિલાની કોહવાયેલી લાશ મળી હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ મહિલાના પુત્રએ તેમની માતાની હત્યા થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના નવા જાબુંડિયા ગામે ઘરમાં રસોડામાંથી બેબીબેન ઉર્ફે કાળી પરસોતમભાઈ સારલા ઉ.વ. ૫૦ની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા તેમના પુત્ર કાનજીભાઈ પરસોતમભાઈ સારલાએ પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી છે. આ વિધવા મહિલા જાંબુડિયા ખાતેના મકાનમાં એકલા રહે છે. તેમનો પુત્ર વાંકાનેર નજીક કારખાનાની ઓરડીમાં રહીને મજૂરી કામ કરે છે. પુત્ર જ્યારે તેમના જાંબુડિયા ખાતે આવેલ ઘરે આવ્યો ત્યારે તને પોતાની માતાની કોહવાયેલી લાશ જોઈ હતી. જેથી તેને તુરંત જ પોલીસને જાણ કરી હતી. પુત્રના જણાવ્યા મુજબ કોઈ અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશીને તેમની માતાની ગળાટુપો દઈને હત્યા કરી નાખી છે. પુત્રની ફરિયાદના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.