પ્રધાનમંત્રી યોજના હેઠળ બનાવાયેલા શૌચાલયને તોડી પાડવાની ચીફ ઓફિસરની નોટિસ સામે લતાવાસીઓનો વિરોધ મોરબી : મોરબીના સો ઓરડી વિસ્તારમાં આવેલ ચામુંડાનગરમાં ઘરની બહાર પ્રધાનમંત્રી યોજના હેઠળ બનાવવામાં આવેલા શૌચાલયને હટાવવાની ચીફ ઓફિસરે નોટિસ ફટકારી હતી. આ મામલે લતાવાસીએ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, કલેક્ટર તથા ચીફ ઓફિસરને રજુઆત કરી શૌચાલયને હટાવવાની તજવીજ રોકવાની માંગ કરી હતી. મોરબીના સો ઓરડી વિસ્તારમાં વરિયાદેવના મંદિર પાછળ ચામુંડાનગરમાં રહેતા સુરેશભાઈ રામજીભાઈ ચાવડા સહીત ના લતાવાસીઓએ એ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, કલેક્ટર તથાચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે તેઓના ઘરની બહાર પ્રધાનમંત્રી યોજના હેઠળ શૌચાલય બનાવવામાં આવ્યા છે. ત્યારે સીસી રોડનું કામ ચાલતું હોવાથી આ શૌચાલયો હટાવી લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ શૌચાલય કોઈ પ્રકારે નડતરરૂપ નથી. વધુમાં જણાવ્યું હતું કે આ શૌચાલય સરકારી યોજના હેઠળ જ બનાવવામાં આવ્યા છે. ત્યારે જો સરકાર દ્વારા જ આ શૌચાલય પાડી નાખવામાં આવશે તો આમાં નુકશાન સરકારને જ છે. ઉપરાંત સરકાર ખુલ્લામાં શૌચ મુક્ત થવાની વાતો કરે છે ત્યારે જો આ શૌચાલયો પાડી નાખવામાં આવશે તો તમામ લોકોને ખુલ્લામાં શૌચ જવાની ફરજ પડશે. જેથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.