ટીમ્બડી ગામે બાલાજીપાર્ક કા રાજાનું ધામ ધુમથી વિસર્જન મોરબી : મોરબીના ટીમ્બડી ગામે બાલાજી પાર્કના રહેવાસીઓ દ્વારા યોજવામાં આવેલા ગણેશોત્સવમાં પાંચમા દિવસે દુંદાળાદેવને વિદાય આપી વિસર્જન કરવામાં આવ્યું હતું. મોરબીના ટીંબડી ગામે બાલાજી પાર્ક ખાતે બાલાજીપાર્ક કા રાજા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બાલાજી પાર્ક ખાતે ગણેશ ચર્તુથીના દિવસે દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવી હતી અને પાંચ દિવસ સુધી સોસાયટીના ભાવિક ભક્તો દ્વારા દુંદાળા દેવ નું પૂજા અર્ચન તેમજ રોજ રાત્રીના ધુન-ભજનનું આયોજન પણ સોસાયટીના લોકો દ્વારા કરવામાં આવતું હતું. વધુમાં ગણેશોત્સવના પાંચમા દિવસ લોકો માટે ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું અને બાદમાં ગણપતિ દાદાનું મચ્છુ ત્રણ ડેમમા વિસર્જન કરવામાં આવ્યું હોવાનું મયંકભાઈ દેવમુરારીએ જણાવ્યું હતું. મોરબીના રવાપર રોડ પર આકર્ષણ જમાવતો મહાબલી ગણેશોત્સવ મોરબી : મોરબીના રવાપર રોડ પર મહાબલી ગ્રુપ દ્વારા ગણેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. રવાપર રોડ ખાતે મહાબલી ગજાંનદ ગ્રુપ આયોજીત ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ મહાઆરતી, પૂજન, અર્ચન સહિતના કાર્યક્રમો યોજાવામાં આવી રહ્યા છે અને ભક્તો મોટી સંખ્યામાં દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. ચુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા ગણેશમહોત્સવ મોરબી : મોરબીના ચુવાળીયા કોળી ઠાકોર સમાજ બોર્ડિંગ સો ઓરડી દ્વારા ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. જેમાં ચુવાળીયા કોળી ઠાકોર સમાજ બોર્ડિંગ સો ઓરડી દ્વારા આયોજિત આ ગણેશોત્સવમાં ભવિષ્યમાં નિર્માણ થનાર પ્રોજેકટની આબેહૂબ પ્રતિકૃતિ જય વેલનાથ ગ્રુપ વિષ્ણુભાઈ મજેઠીયા દ્વારા રજૂ કરવામાં આવતા ચુવાળીયા ઠાકોર સમાજમાં ખુશીની લહેર દોડી ઉઠી હતી. મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં બાળકો દ્વારા ગણેશોત્સવ મોરબી : મોરબીના સનાળા રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ કવાટર્સમાં બાળકો દ્વારા ગણેશોત્સવનું સુંદર આયોજન કરાયું છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટી એલઆઈજી અને એમઆઇજી સિંગલીયા ક્વાર્ટસમાં રહેતા બાળકો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં દરરોજ અવનવા કાર્યક્રમો રજૂ કરવામાં આવતા હોવાથી ગણેશોત્સવમાં લોકોની ભીડ ઉમટી રહી છે.