વાંકાનેરના ધારાસભ્ય દ્વારા લોકપ્રશ્નની રજૂઆત ને સફળતા વાંકાનેર : વાંકાનેર થી રાજકોટ જવા માટે લક્ષ્મીપરા પાસે આવેલ પતાળીયા માં પુલ બનાવવાનું કાર્ય છ મહિના પહેલાં શરૂ કરવામાં આવેલ અને ચાર મહિનામાં આ બ્રિજ બનાવી લોકો માટે અર્પણ કરવાનો હતો. પરંતુ આ પુલના નિર્માણ માટે જુનો રસ્તો ખોદવામાં આવતા ત્યાં દૂર સંચાર નિગમના ટેલિફોનિક કેબલ હોય કોન્ટ્રાક્ટર દ્વારા ટેલિફોન ખાતાને જાણ કરી આ કેબલ હટાવવાનું જણાવવામાં આવેલ પરંતુ નિગમના અધિકારીઓના જડ વલણના લીધે આજદિન સુધી આ કેબલ હટાવવામાં આવેલ ન હોય બ્રિજનું બાંધકામ અટકી ગયેલ છે અને ત્યાંથી પસાર થતાં વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. વાંકાનેર થી રાજકોટ જવા ઉપરાંત વાંકાનેર તાલુકા સેવા સદન જવાનો પણ આ રસ્તો હોય લોકોને હાઈવેથી ગામનો આંટો મારી પેટ્રોલ અને સમયનો વ્યય કરી સેવાસદન અને રાજકોટ તરફ ગામને ફરીને જવું પડે છે. આ બાબતની ફરિયાદ વાંકાનેર ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદાને મળતા તેઓએ મોરબી જિલ્લા પંચાયતમાં રજૂઆત કરતાં તાત્કાલિક જિલ્લા પંચાયત દ્વારા આ બ્રિજ પાસે ડાઈવર્ઝન નું કામ શરૂ કરવામાં આવેલ છે. આ ડાઇવર્ઝન માંથી ફોરવ્હિલ, રીક્ષા અને મોટર સાયકલને ચલાવવાની મંજૂરી આપવામાં આવેલ છે મોટા વાહનોને બાયપાસ માંથી ચલાવવા જણાવવામાં આવેલ છે. વાંકાનેર ધારાસભ્યની લોકઉપયોગી સફળ રજૂઆતને અંતે આ ડાઇવર્ઝન બનવાથી વાંકાનેરના વાહનચાલકોને રાજકોટ અને તાલુકા સેવા સદન જવા માટે આંશિક રાહત મળશે.