મોરબી : મોરબીના ટીમ્બડી નજીક નદીમાં લાશ તરતી હોવાની માહિતી મળતા ગ્રામજનોએ મૃતદેહને સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો અને કલાકોની જહેમત બાદ આ ઘટના આત્મહત્યાની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું, જો કે આપઘાતના આ વિચિત્ર કિસ્સામાં વૃદ્ધે પહેલા દોરડે લટકી આત્મહત્યા કરવા કોશિશ કરી હતી પરંતુ દોરડું તૂટી જતા ડૂબી જવાથી વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ટીમ્બડી ગામ નજીક કલ્યાણ બાપુના આશ્રમ પાસે નદીમાં લાશ તરતી હોવાની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળે - ટોળા ઉમટ્યા હતા.વધુમાં આ મૃતદેહ કરશનભાઇ રાણાભાઈ લકુંમ, ઉ.૬૦, રે.શક્તિનગર ટીમ્બડીના પાટિયા પાસે હોવાનું ખુલ્યું હતું. વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં આ વૃદ્ધે પહેલા પુલ ઉપર દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ દોરડું તૂટી જતા તેઓનું પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. જો, કે મોરબી સિવિલ હોસ્પિટલે મૃતદેહ પહોંચ્યા બાદ પણ કલાકો સુધી પોલીસ પહોંચી ન હતી કારણકે આ મામલે હદનો પ્રશ્ન આવતા ગ્રામજનોએ પહેલા બી - ડીવીઝન પોલીસને જાણ કરી હતી અને બાદમાં તાલુકા પોલીસને જાણ થતાં સમગ્ર બનાવનો ભેદ ઉકેલાયો હતો.