મોરબી જિલ્લા પોલીસ દ્વારા શ્રાવણ મહિનામાં દરરોજ સરેરાશ બેથી વધુ દરોડા મોરબી : શ્રાવણ માસમાં આમ તો રાજ્યભરમાં જુગાર રમતો હોય છે પરંતુ મોરબીના શોખીન પ્રજાજનોની વાત જરા હટકે છે, મોરબી પોલીસે ૧૨ ઓગષ્ટથી ૯ સપ્ટેમ્બર દરમિયાન કુલ ૭૯ દરોડા પાડી ૪૭,૮૨,૧૭૦ ના મુદામાલ સાથે ૪૨૮ શકુનીઓને ઝડપી લીધા હતા. મોરબીમાં જિલ્લા પોલીસવડા તરીકે ચાર્જ સંભાળ્યા બાદ ડો.કરનરાજ વાઘેલાએ જિલ્લામાંથી દારૂ અને જુગારની બદી નાબૂદ કરવા પોલીસને રીતસર દોડતી કરતા ચાલુ વર્ષે શ્રાવણીયા જુગારીઓમાં ફફડાટ મચી ગયો હતો, પોલીસના સતાવાર રીતે જાહેર કરાયેલા આંકડા મુજબ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ૧૨ ઓગષ્ટથી ૯ સપ્ટેમ્બર દરમિયાન જિલ્લાના પાંચ તાલુકા અને શહેરમાં કુલ મળી ૭૯ જુગાર દરોડા પાડવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન અને સૂચના મુજબ શહેર અને જિલ્લા પોલીસ દ્વારા કાબીલેદાદા કામગીરી કરવામાં આવી અને જુગાર દરોડામાં જુગાર ધારા કલમ ૧૨ (અ) મુજબ એક કેસ, જુગાર ધારા કલમ ૧૨ મુજબ ૬૬ કેસ તથા જુગાર ધારાની કલમ ૪-૫ મુજબ ૧૨ દરોડા પાડ્યા હતા જેમાં કુલ મળી ૪૨૮ આરોપીઓની અટકાયત કરી રૂ.૨૭,૬૩,૪૭૦ રોકડ જપ્ત કરવામાં આવી હતી. મોરબી જિલ્લા પોલીસ શ્રાવણ માસ દરમિયાન સતત દોડતી રહી હતી અને જુગારની બદી નાબૂદ કરવા જુદી જુદી જગ્યાએ પડેલા દરોડામાં ૩૦ વાહનો અને ૮૦ મોબાઈલ ફોન જપ્ત કરી કુલ મળી રૂ. ૪૭,૮૨,૧૭૦ નો મુદામાલ જપ્ત કરી જુગાર નાબુદી માટે નોંધનીય કામગીરી કરી છે.