શહેરભરમાં ઠેરઠેર વિધ્નહર્તાનું સ્થાપન : લોકોમાં અનેરો ઉત્સાહ હળવદ : ગણેશ ચોથના પવિત્ર દિવસે દેશભરમાં ગણેશજીને રીઝવવા મૂર્તિ સ્થાપન કરવામાં આવી રહી છે ત્યારે હળવદ શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશજીની મૂર્તિના આગમન સાથે શહેરમાં વાજતે - ગાજતે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. ત્યારબાદ કુંભારપરામાં પુજન - અર્ચન બાદ ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુંભારપરામાં મહિલાઓ, વડીલો અને યુવાનો જાડાયા હતા. હળવદ શહેરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ઠેરઠેર ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, શહેરના કુંભારપરામાં વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઢોલના તાલે યુવાનો નાચી અબીલ ગુલાલ તેમજ પુષ્પો ઉડાળી ‘ગણપતિ બાપા મોરીયા’ના નાદ સાથે મંડપમાં વિધિવત રીતે સ્થાપના કરાઈ હતી. છેલ્લા બે વર્ષથી કુંભારપરામાં ગણેશ ઉત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ વખતે પણ નવ દિવસ સુધી રાત્રીના સમયે રાસ- ગરબા અને ગણેશજીને રીઝવવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તો સાથોસાથ કુંભાર અને ભરવાડ સમાજના સહિયારા પ્રયાસથી વિધ્નહર્તાની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવશે અને નવ દિવસ સુધી સ્થાપન કર્યા બાદ વિસર્જન કરવામાં આવશે. આ તકે ગણેશ ઉત્સવના કાર્યક્રમમાં કુંભારપરા યુવક મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ગણેશોત્સવનો પ્રારંભ થતા જ હળવદના વિવિધ વિસ્તારોમાં ગણેશ સ્થાપન કરાયા છે અને લોકોમાં ગણેશોત્સવની ઉજવણીને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.