યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત લોકમેળાના અંતિમ દિને ગુજરાતી અભિનેત્રી રીના સોનીની ઉપસ્થિતિ : વિકાસ વિદ્યાલયની બાળાઓએ પણ મેળો માણ્યો મોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત ક્રિષ્ના ઉત્સવ મેળાના અંતિમ દિને ભવ્ય સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં જાણીતી અભિનેત્રી રીના સોનીએ મનોરંજન પૂરુ પાડ્યું હતું. ઉપરાંત અંતિમ દિવસે વિકાસ વિદ્યાલયની બાળાઓને મેળાની મોજ કરાવાઈ હતી.મોરબીના કંડલા બાયપાસ રોડ પર રામકો કમ્પાઉન્ડમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિષ્ના ઉત્સવ મેળાનું ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકમેળાને લાખો લોકોએ મનભરીને માણ્યો હતો. લોકમેળાના અંતિમ દિને સમાપન પ્રસંગે યંગ ઇન્ડિયા ગ્રૂપે રંગારંગ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં ગુજરાતી ફિલ્મની જાણીતી અભિનેત્રી રીના સોનીએ ઉપસ્થિત રહીને લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતુ. આ ઉપરાંત સેવાકાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા યંગ ઇન્ડિયા ગ્રૂપે લોકમેળાના અંતિમ દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિકાસ વિદ્યાલયની બાળાઓને મેળાની મોજ કરાવી હતી.