ધર્મલાભ સોસાયટીના કોમન પ્લોટમાં કરવામાં આવેલ દબાણ દૂર કરવાની અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરાઈ મોરબી : મોરબીની ધર્મલાભ સોસાયટીના કોમન પ્લોટમાં થયેલા દબાણો હટાવવા મામલે અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અંતે સોસાયટીના રહીશોએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. મોરબીની ધર્મલાભ સોસાયટીના રહીશોએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે તેમની સોસાયટીના કોમન પ્લોટમાં કેટલાક આસામીઓએ પાકું બાંધકામ કરીને દબાણ કર્યું છે. જે સોસાયટીના રહીશો માટે અડચણ રૂપ છે. સોસાયટીના રહીશોને ધાર્મિક સહિતના પ્રસંગો ઉજવવામાં તથા બાળકોને રમવા જવામાં ભારે તકલીફ પડે છે. વધુમાં જણાવાયું કે આ દબાણ હટાવવા માટે તેઓએ અનેક વખત પાલિકા તંત્રને રજુઆત કરી છે છતાં તેમની સોસાયટીમાં કરવામાં આવેલ આ દબાણને હટાવવામાં આવ્યું નથી. તેથી સ્થાનિક રહીશોએ કલેકટરને રજુઆત કરી જો આ દબાણ દૂર નહિ થાય તો સામુહિક આત્મવિલોપન કરવા મજબૂર થવું પડશે તેવી ચીમકી આપી છે.