સરકારને રજુઆત કરી કરીને હવે અમને શરમ આવે છે : રાજ્ય પ્રમુખ જોશી મોરબી : નવા જુના મેનુ મુજબ નાસ્તા અને ભોજન પીરસવાના સરકારના આદેશ કર્યા બાદ પણ મધ્યાહન ભોજન યોજનાઓના હેલ્પર, રસોયા અને સંચાલકોના વેતનમાં વધારો કરવામાં ન આવતા લાંબા સમયથી ચાલતી લડતમાં આગામી ૨૧ સપ્ટેમ્બરથી રસોયા અને હેલ્પરો દ્વારા અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. ઓલ ગુજરાત મધ્યાહન ભોજનના કર્મચારી મંડળના પ્રમુખ કિશોરચંદ્ર જોશીની યાદીમાં જણાવ્યા મુજબ મધ્યાહન ભોજન યોજનામા કામ કરતા કર્મચારીઓની પડતર માંગણીઓમાં નવા મેનુમા નાસ્ત્તાની જોગવાઈ છે નાસ્તા માટે અલગથી જથ્થો તેમજ પેશગી આપવી, નવુ મેનુ આવવાથી કામની કલાક વધી જવાથી પુરક રોજગારી આપવાના બદલે પૂર્ણ રોજગારી આપી લઘુતમ વેતન મુજબ વેતનમા વધારો આપવો, નવા મેનુંને અનુરૂપ જરૂરી સાધન સામગ્રી આપવી, છેલ્લા ૬ થી ૭ વર્ષ પહેલા આ યોજનાનું સંચાલન ખાનગી સંસ્થાને આપી ખાનગી કરણ કરેલ છે તે બંધ કરી કર્મચારી મારફત ફરીથી આ યોજનાનું સંચાલન કરવા એનજીઓ પ્રથા રદ કરવા અમારી માંગણી છે ઉપરાંત પગાર અને પેશગી સમયસર અને પુરતો આપવો તેમજ નામદાર સુપ્રિમના આદેશ અનુસાર દર વર્ષે ૭.પ% નો વધારો આપવાનું સુચન આપેલ હોય છેલ્લા બે વર્ષ ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ ભારત સરકાર તરફથી ફુર્કીગ કોસ્ટમા વધારો કરેલ ન હોય તાત્કાલીક વધારો કરવા અમારી માંગણી ઉઠાવી છે. આ મામલે છેલ્લા એક વર્ષ થી રાજય સરકારને તેમજ રાજયપાલથી મામલતદાર સુધી અવાર નવાર લેખીત મૌખિક રજુઆત કરી તેમજ દરેક તાલુકા મથકે મામલતદારને આ બાબતનું આવેદન આપી તથા અમુક તાલુકા મથક કેન્દ્ર બંધ રાખી ગાંધીનગર મુકામે હજારો કર્મચારી ધારા ધરણાનો કાર્યક્રમ આપી વિરોધ પ્રદર્શન કરેલ તેમ છતા આજદિવસ સુધી કોઈ ઉકેલ ન આવવાથી નાછૂટકે કેન્દ્ર બંધ કરવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે એક ને એક રજુઆત કરવાથી હવે કર્મચારીઓને પણ શરમ આવે છે પરંતુ આ યોજનામા લાભ લેતા ગરીબ કર્મચારીના આરોગ્યને ધ્યાનમાં ન લેતા અમારે નાછુટકે આ ગરીબ બાળકોને ભોજનથી વંચીત રાખવાની ફરજ પડી હોવાનું આજે મુખ્યમંત્રીને કરવામાં આવેલી રજુઆતમાં જણાવાયું હતું. આ યોજનામાં કામ કરતા રસોયા તેમજ મદદનીશ આટલા નજીવા વેતનથી કામ કરવા રાજીં નથી જેથી રસોયા તેમજ મદદનીશ તારીખ.૨૧/૦૯/૨૦૧૮ ના રોજથી અચોક્કસ મુદત માટે પોતાની ફરજથી વંચીત રહેશે અને આ યોજનામા કામ કરતા સંચાલક તારીખ.૨૧/૦૯/૨૦૧ ૮ થી રસોયા તેમજ મદદનીશને સાથ અને સહકાર આપીને કેન્દ્રો ઉપર હાજર રહી કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કરશે જેથી સરકારને સત્વરે મભયો યોજનાના કર્મચારીઓની માંગણી પ્રત્યે વિચાર કરવા અલ્ટીમેટમ અપાયું છે.