તબીબો દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં રીફર કરતા હોવાની રાવ : અસુવિધાના પ્રશ્ને કલેકટરને રજુઆત મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી હડકવાના ઇન્જેક્શન ન હોવાથી દર્દીઓને હાલાકી પડી રહી છે. ઉપરાંત અહીંના તબીબો દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં રીફર કરતા હોવાની રાવ પણ ઉઠી છે. આ સહિતની અસુવિધા મુદે દર્દીઓને થતી હેરાનગતિ અંગે સામાજિક કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરી હતી. મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે અને જગદીશભાઈ બાંભણીયાએ કલેક્ટરને રજુઆત કરી હતી કે મોરબીની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૩ માસથી હડકવાના ઇન્જેક્શનો નથી. આથી હડકવાના દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. હોસ્પિટલના તબીબો દર્દીઓને રાજકોટ હોસ્પિટલમાં કે ખાનગી હોસ્પિટલમાં રીફર થવાનું કહે છે. જેથી દર્દીઓને ભારે હેરાનગતિ ભોગવવી પડે છે. ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં અન્ય ઘણી અસુવિધાઓથી દર્દીઓ પ્રભાવિત છે. જેમાં લેડી ડોક્ટરની જગ્યા ખાલી છે. આથી મોરબીના પાંચ તાલુકાઓમાંથી આવતી ગરીબ મહિલા દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. જો કે આ હોસ્પિટલમાં અગત્યના ઇસીઝી મશીન છે પરંતુ તે ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. જેથી આ મશીન યોગ્ય રીતે કામ કરતા નથી. જ્યારે સિવિલ હોસ્પિટલમાં દારૂડિયાઓનો પણ ભારે ત્રાસ છે. આ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી સહિતના ઉચ્ચ પદાધિકારીઓ કે અધિકારીઓ મુલાકાતે આવે ત્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા આ તમામ અસુવિધાઓ પર ઢાંકપીછોડો કરીને સબ સલામત હોવાનું દેખાડવામાં આવે છે. આ હોસ્પિટલની અસુવિધા પ્રશ્ને કલેકટરને રજુઆત કરી જો યોગ્ય પગલાં ન લેવાઈ તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી છે. સિવિલ હોસ્પિટલમાં હડકવાના ઇન્જેક્શન ન હોવાથી દર્દીઓને હાલાકી પડી રહી હોવાની સામાજિક કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરી બાદમાં આ અંગે આર.એમ.ઓ. ડો. સરડવાએ જણાવ્યું કે છેલ્લા ૨ માસથી હોસ્પિટલમાં હડકવાના ઇન્જેક્શનો નથી. ઉપરથી જ ઇન્જેક્શનો આવ્યા નથી. આ હડકવાના ઇન્જેક્શન આપવાની ઉપર માંગણી કરવામાં આવી છે.