અમરેલી ગામની મતદાર યાદી જોઈન્ટ થઈ ન હોવાથી ચૂંટણી સ્થગિત કરવાનો ચૂંટણી કમિશ્નરનો આદેશ : ૬ બેઠકો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ મોરબી : મોરબી પાલિકાના કુલ ચાર વોર્ડની ખાલી પડેલી સાત બેઠકો પર પેટા ચૂંટણી યોજાનાર છે. જેમાંથી વોર્ડ નં. ૨ની બેઠકની ચૂંટણી રદ કરવામાં આવી છે. વોર્ડ નં. ૨માં ભળેલા અમરેલી ગામની મતદાર યાદી જોઈન્ટ થઈ ન હોવાથી ચૂંટણી કમિશ્નર દ્વારા આ ચૂંટણી મુલતવી રાખવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જયારે બાકીની ૬ બેઠકો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે. આ બેઠકો માટે આગામી તા. ૨૫ સપ્ટેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. મોરબી પાલિકાના વોર્ડ નં. ૧,૨,૩ અને ૬ની ખાલી પડેલી સાત બેઠકો માટે પેટા ચૂંટણી તા. ૨૫ સપ્ટેમ્બરના રોજ યોજવાની જાહેરાત થઇ છે. જેમાં વોર્ડ નં. ૨માં એક બેઠકની ચૂંટણી યોજાનાર હતી. આ વોર્ડમાં નવો અમરેલી ગામનો વિસ્તાર ભળ્યો છે. પરંતુ અમરેલી ગામની મતદાર યાદી વોર્ડ નં. ૨ની મતદાર યાદીમાં જોઈન્ટ થઈ ન હોવાથી આગળની કાર્યવાહી અંગે ચૂંટણી શાખા દ્વારા ચૂંટણી કમિશ્નર પાસે અભિપ્રાય લેવામાં આવ્યો હતો. જેમાં નવા ભળેલા અમરેલી ગામની મતદાર યાદી જોઈન્ટ થઈ ન હોવાથી વોર્ડ નં. ૨ ની પેટા ચૂંટણી મુલતવી રાખવાનો ચૂંટણી કમિશ્નરે આદેશ કર્યો છે. જેથી હવે મોરબી પાલિકાના વોર્ડ નં. ૧, ૩ અને ૬ની ખાલી પડેલી છ બેઠકો માટે આગામી તા. ૨૫ સપ્ટેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલથી પેટા ચૂંટણીની ૬ બેઠકો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં ગઈકાલે એક અને આજે બે ફોર્મ ઉપાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ એક પણ ફોર્મ ભરાઈને પરત આવ્યું નથી.