શોભાયાત્રામાં અબીલ-ગુલાલ નહિં ઉડાડવા માલધારી સમાજ અને જન્માષ્ટમી ઉત્સવ સમિતિની અપીલ વાંકાનેર : વાંકાનેરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ જન્માષ્ટમી ઉત્સવ સમિતિના અધ્યક્ષ યુવરાજ કેશરીદેવસિંહજીની આગેવાનીમાં ફળેશ્વર મહાદેવના મંદિરેથી સવારે ૯ કલાકે પૂજનવિધિ બાદ ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે અને વાંકાનેર શહેરમાં ભ્રમણ કરી જીનપરા ચોકમાં બપોરે ધર્મસભા બાદ પૂર્ણ થશે. શ્રીકૃષ્ણ ભગવાનના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વાંકાનેર શહેરને સુશોભિત લાઈટિંગથી શણગારવામાં આવ્યું છે અને કૃષ્ણ ભક્તો દ્વારા શોભાયાત્રા ના રૂટ પર અલગ-અલગ ફ્લોટ બનાવવામાં આવેલ છે.આ શોભાયાત્રામાં ભગવાન શ્રીકૃષ્ણનો રથ ઉપરાંત શણગારેલા વાહનો, રાસ-ગરબા, સંતો મહંતોની સાથે સમસ્ત હિન્દુ સમાજ જોડાશે. આ શોભાયાત્રામાં માલધારી સમાજ પણ બહોળી સંખ્યામાં જોડાશે અને રાસ-હુડોની રમઝટ સાથે શ્રીકૃષ્ણનો જન્મદિવસ ઉજવશે. કેમિકલ યુક્ત અબીલ-ગુલાલ ને લઈને શરીરમાં થતાં ચામડીના રોગો અને આંખને થતું નુકસાન આવી બધી બાબતોને ધ્યાનમાં લઇ આ શોભાયાત્રામાં અબીલ ગુલાલ નહીં ઉડાડવા માટે માલધારી સમાજે તેમજ સમિતિના અધ્યક્ષ કેશરીદેવસિંહજીએ ખાસ અપીલ કરેલ છે.