અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા જીડબ્લ્યુઆઈએલના અધિકારીઓની માંગ મોરબી : માળિયાના વાધરવા ગામ નજીક ફરી અસામાજિક તત્વોએ પાણીની પાઈપલાઈનનો વાલ્વ તોડી નાખ્યો છે. વાલ્વ તૂટતા પાઈપલાઈનમાંથી લાખો ગેલન પાણીનો વેડફાટ થયો છે. ઘટનાને પગલે આ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા જીડબ્લ્યુઆઈએલના અધિકારીઓએ માંગ ઉઠાવી છે. માળિયાના વાધરવા ગામ નજીક આવેલી પાણીની પાઇપલાઇનનો વાલ્વ થોડા દિવસો પૂર્વે અસામાજિક તત્વોએ તોડી નાખ્યો હતો. ત્યારે કર્મચારીઓએ મહામહેનતે આ વાલ્વ રીપેર કર્યો હતો. આ ઘટનાને હજુ થોડા જ દિવસો વીત્યા છે ત્યાં ફરી પાછા અસામાજિક તત્વોએ લખણ ઝળકાવીને બીજી વાર પાઇપલાઇનનો વાલ્વ તોડી નાખ્યો છે. પાઇપલાઇનનો વાલ્વ તોડી નાખવામાં આવતા લાખો ગેલન પાણીનો વ્યય થઈ રહ્યો છે. હાલ યુદ્ધના ધોરણે આ પાઇપલાઇનના વાલ્વનું સમારકામ ચાલી રહ્યું છે. જીડબ્લ્યુઆઈએલના અધિકારીઓના જણાવ્યા મુજબ અગાઉ જ્યારે વાલ્વ તોડવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. તેઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ફરી અસામાજિક તત્વોએ પોતાના લખણ ઝળકાવ્યા છે. આ અસામાજિક તત્વો સામે તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.