ગ્રામજનો ઉપર ખોટું દબાણ લાવવા આ ફરિયાદ નોંધાવી હોવાની ચર્ચા વાંકાનેર : વાંકાનેર તાલુકાના દલડી ગામે ગત તારીખ 31/8/2018 ના રોજ સેવા સેતુ ના કાર્યક્રમનું આયોજન કરેલ. જેમાં દલડી, દિઘલીયા, સેખરડી, કાશીપર અને ચાંચડીયા ગામનો સમાવેશ કરવામાં આવેલ હતો પરંતુ આ ગામના ગ્રામજનો દ્વારા કાર્યક્રમનો સંમ્પૂર્ણ બહિષ્કાર કરવામાં આવેલ હતો અને કાર્યક્રમ પૂર્ણ થયો ત્યાં સુધી એક પણ અરજદાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ ન હતા. ગ્રામજનોની માંગ હતી કે પહેલા કેરાળા ગામના રસ્તા નો પ્રશ્ન હલ કરો પછી કાર્યક્રમ કરો. સેવા સેતુ ના આ કાર્યક્રમની નિષ્ફળતાની નોંધ ઉચ્ચ અધિકારીઓએ લઈ અને આજે વાંકાનેર મામલતદાર ઓફિસ ના સર્કલ ઓફિસર કુમારપાળ રણજીતસિંહ ઝાલા એ દીઘલિયા ગામ ના સરપંચ રસુલભાઈ અને માજી સરપંચ અયુબભાઈ પર પોલીસ ફરિયાદ કરેલ છે જેમાં તેઓએ જણાવેલ કે આ બંને વ્યક્તિઓએ ભેગા મળી કાર્યક્રમના ગેટ પાસે ઉભા રહી ગામ લોકોને અંદર આવતા રોકતાં હતા અને તેઓ ગ્રામજનોને કહેતાં હતા કે આ કાર્યક્રમ રદ કરવાનો થાય છે જ્યાં સુધી કેરાળાના રસ્તાનો પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી કાર્યક્રમ માં જવાનું થતું નથી. આમ અમારો સેવા સેતુનો કાર્યક્રમ નિષ્ફળ કરેલ હોય આ બંને ઉપર ફરજમાં રૂકાવટ કર્યા અંગેની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને દાખલ કરાવેલ છે. ભારત દેશ એ લોકશાહી દેશ છે અને અહીં લોકોના પ્રશ્ને શાંતિપૂર્વક સરકાર નો વિરોધ કરવાનો લોકોને હક્ક છે સરપંચ દ્વારા કોઈ અધિકારી કે પદાધિકારીને રોકવામાં આવેલ નથી તો ફરજમાં રૂકાવટ કેવી રીતે ? ગામના લોકો સાથે ચર્ચા કરવી એ ગુનો છે ? અને આમ પણ જાહેર રસ્તો કોઈપણ સરકારી અધિકારીના હુકમ વગર બંધ કરેલ છે અને ગામલોકો હાલાકી ભોગવી રહ્યા છે છેલ્લા આઠ મહિનાથી સરકારી તંત્ર જાહેર રસ્તો ખોલાવી શકતું નથી અને ગ્રામજનો ઉપર ખોટું દબાણ લાવવા આ ફરિયાદ નોંધાઈ છે તેવું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે.