પોલીસ કર્મીઓનો લોકદરબાર, ક્રાઇમ કોનફરન્સ, ટ્રાફિક સમસ્યા અંગેની ચર્ચા તેમજ સ્થાનિક આગેવાનો સાથે બેઠક સહિતની પ્રવૃતિઓ કરાઈ મોરબી : મોરબી જિલ્લાનું વાર્ષિક ઇન્સ્પેકશન રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કર્મીઓનો લોકદરબાર, ક્રાઇમ કોનફરન્સ તેમજ ટ્રાફિક સમસ્યા અંગેની ચર્ચા કરવામાં આવી હતી. મોરબી જિલ્લાનું સને ૨૦૧૮નું વાર્ષિક ઇન્સ્પેકશન તા.૨૮થી ૧ સુધી રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. વાર્ષિક ઇન્સ્પેકશનમાં એસપી ડો. કરનરાજ વાઘેલાની આગેવાની હેઠળ પરેડ, પીટી પરેડ, રાઇફલ પીટી, લગ પીટી, મોબ કન્ટ્રોલ ડ્રિલ, રૂમ ઇન્ટરવેશન અને ચેક પોસ્ટ જેવી વિવિધ ઇવેન્ટ નિહાળવામાં આવી હતી. સાથે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. પરેડ તથા ઇવેન્ટ બાદ પોલીસ અધિકારી અને કર્મચારીઓના લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસના પ્રશ્નો સાંભળી યોગ્ય નિકાલ કરવા માટે જરૂરી સૂચનાઓ અપાઈ હતી. સાથે મોરબી પોલીસ અધિક્ષકની કચેરીમાં આવેલ વિવિધ બ્રાન્ચ તેમજ વહીવટી તથા ક્રાઇમ વિભાગની વિઝીટ લેવામાં આવી હતી. આ ઉપરાંત મોરબી જિલ્લાના ટંકારા તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના રેકર્ડની ચકાસણી કરી નોટ રીડિંગ કરી ઇન્સ્પેકશન નોટ ઇસ્યુ કરવામાં આવી હતી. સાથે મોરબી જિલ્લાના ક્રાઇમ બાબતે તથા ટ્રાફિક સમસ્યા બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ તકે પોલીસ તથા પ્રજા વચ્ચે સુમેળ જળવાઈ રહે અને ગુનાનું પ્રમાણ ઘટે તે માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. છેલ્લા દિવસે તા. ૧ના રોજ મોરબી શહેર જિલ્લાના સ્થાનિક આગેવાની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક આગેવાનો દ્વારા મોરબી જિલ્લાના ટ્રાફિકને લગતા પ્રશ્નો રજૂ થતા તે અંગે એસપી તેમજ ટ્રાફિક શાખાને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.