પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજની સાથે ધારાસભ્ય પણ રહ્યા ઉપસ્થિત : મામલતદાર કચેરીના પટાગણમાં રામધુન બોલાવાઈ હળવદ : અનામત તેમજ ખેડૂતોના દેવા માફીની માંગ સાથે ઉપવાસ પર બેઠેલા પાસ કન્વીનર હાર્દિક પટેલના સમર્થનમાં આજરોજ હળવદ પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય સહિત કોંગી આગેવાનો પણ જાડાયા હતા. સાથે જ મામલતદાર કચેરીમાં હાર્દિક પટેલના સમર્થનમાં રામધુન બોલાવી ન્યાય માટે લડત ચલાવવા પાસ કાર્યકરો દ્વારા આગામી દિવસોમાં ગામડે ગામડે પ્રતિક ઉપવાસનું આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી પાટીદાર સમાજને અનામત મળે તેવી માંગ સાથે પાસ કન્વીનર હાર્દિક પટેલ દ્વારા વર્તમાન સરકાર સામે બાંયો ચડાવી લડત ચલાવવામાં આવી રહી છે. ત્યારે હાલ પાટીદાર સમાજને અનામત મળે અને ગુજરાતના જગતાતનું દેવું માફ કરવાની માંગ સાથે છેલ્લા આઠ દિવસથી આમરણ ઉપવાસ પર બેઠેલ હાર્દિક પટેલને રાજયભરમાંથી સર્મથન મળી રહ્યું છે ત્યારે આજે હળવદ ખાતે પાટીદાર સમાજની સાથે સાથે અન્ય સમાજ પણ જાડાઈને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. મામલતદાર કચેરીના પટાગણમાં પાટીદાર સમાજ સહિત કોંગ્રેસના અગ્રણીઓએ હાર્દિક પટેલના સમર્થનમાં રામધુન બોલાવી વર્તમાન સરકારને ભગવાન સદબુધ્ધી આપી તેવી પ્રાર્થના કરી આવેદન પત્રમાં જણાવ્યા મુજબ ખેડૂતોના દેવા માફ કરો, પાટીદાર સમાજને અનામત મળે તેમજ રાજદ્રોહ જેવા ગંભીર ગુનામાં અલ્પેશ કથીરીયાને ફસાવી દેવાના ઈરાદાથી ધરપકડ કરી જેલમાં ધકેલી દીધેલ હોઈ જેમાં વહેલીમાં વહેલી તકે મુકત કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે રજુઆત કરાઈ હતી. હાર્દિક પટેલના સમર્થનમાં આજથી હળવદ તાલુકાના ગામડે ગામડે ઉપવાસ આંદોલન ચલાવવામાં આવશે તેમ મેહુલભાઈ પટેલે જણાવ્યું હતું. આ સાથે હાર્દિક પટેલના સર્મથનમાં કોંગી ધારાસભ્ય પરસોતમ સાબરીયા, જિલ્લા પંચાયત સદસ્ય ધર્મેન્દ્ર પટેલ, જગા બાપા, મનસુખભાઈ, ભીખાભાઈ પટેલ, વાસુભાઈ પટેલ, કમલેશ દઢાણીયા, મેહુલભાઈ પટેલ, ભૂપતભાઈ સરોલા, વજાભાઈ પટેલ, બિલાભાઈ મહેતા સહિતના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.