ગુજરાતનો પ્રથમ બનાવ કે જેમાં માત્ર દોઢ વર્ષની બાળકીના અંગોનું દાન કરાયું : પરિવારે આવી કપરી પરિસ્થિતિમાં પણ બીજાનું ભલુ ઇચ્છીને પોતાની દોઢ વર્ષની બાળકીના અંગો દાન કરીને બીજાને નવજીવન અર્પવાનો નિર્ણય લીધો ટંકારા : રક્ષાબંધનના પાવન પર્વે જ ટંકારાના ઉમિયાનગરમાં એક પરિવારને કુદરતી થપાટ લાગી હતી. કાળજા કંપાવી દે તેવી આ ઘટનામા દોઢ વર્ષની માસૂમ બાળકી ઇજાગ્રસ્ત બનતા તેનું બ્રેઈન ડેડ થઈ ગયું હતું. પરિવારે આવી કપરી પરિસ્થિતિમાં પણ બીજાનું ભલુ ઇચ્છીને પોતાની દોઢ વર્ષની બાળકીના અંગો દાન કરીને બીજાને નવજીવન અર્પવાનો નિર્ણય લીધો હતો. માત્ર દોઢ વર્ષની બાળકીના અંગદાનનો આ ગુજરાતનો પ્રથમ કિસ્સો છે. ટંકારા તાલુકાના ઉમિયાનગરના રહેવાસી મનોજભાઈ ઘેટિયાની દોઢ વર્ષની પુત્રી રિયોના રક્ષાબંધનના દિવસે તેના ભાઇ ધ્યેયને રાખડી બંધતા પૂર્વે જ રમતા રમતા પડી જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. આથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં ડોક્ટરે રિયોનાનું બ્રેઈનડેડ થયું હોવાનું જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આવી કપરી સ્થિતિમાં રિયોનાના પિતા મનોજભાઈ ઘેટિયા અને માતા બીનાબેનને ડોક્ટરો અને રિયોનાના મામા કૌશિકભાઈ જીવની અને રમેશભાઈ સહિતના પરિવારજનોએ આશ્વાસન આપી બ્રેઈનડેડ રિયાનાના અંગોનું દાન કરવાની પ્રેરણા આપી હતી. જેથી કપરી પરિસ્થિતિમા પણ રિયાનાના પરિવારે વ્હાલસોયી પુત્રીના અંગદાન કરી અન્ય લોકોને નવજીવન આપવાનો પ્રેરણાત્મક નિર્ણય લીધો હતો. ડો. સંકલ્પ વણઝારા અને ડૉ. દિવ્યેશ વિરોજાએ સ્થાનિક હોસ્પિટલમાં જઈને ડો. ઘનશ્યામ ઘુસાણીની મદદ લઈ રિયોનાને આઈસીયુમાં રાખવામાં આવી હતી. બાદમાં રિયોનાની કિડનીનું દાન કરવામાં આવ્યું હતું. રિયાનાની કિડનીનું દાન આઈકેડીસીઆરસી કિડની હોસ્પિટલમાં કરવામાં કરવામાં આવ્યું હતું. આમ એક દોઢ વર્ષની પરી સમાન માસુમ પુત્રીના બ્રેઈન ડેડ બાદ પરિવારજનોએ તેના અંગદાનનો મહત્વનો નિર્ણય લઇ અન્ય લોકોની જિંદગીમાં નવજીવન લાવવાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પડ્યું છે. અને ટંકારાની નાની દોઢ વર્ષની બાળકીના અંગદાનનો આ ગુજરાતનો પ્રથમ કિસ્સો છે.