મુખ્ય માર્ગો પર ઠેર ઠેર ખાડાઓ થતા વાહનચાલકોને પરેશાની : કલેકટરને રજુઆત મોરબી : મોરબીમાં હજુ ચોમાસાની સિઝનનો ૧૦ ટકા જ વરસાદ પડ્યો છે. ત્યાં માર્ગોની હાલત બિસ્માર થઈ જવા પામી છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે આ મામલે એક સામાજિક કાર્યકરે કલેકટરને રજુઆત કરીને વહેલાસર માર્ગોને રીપેર કરવાની માંગ ઉઠાવી છે. મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઇ દવેએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે મોરબીમાં ચોમાસાની સિઝનનો માંડ ૧૦ ટકા જ વરસાદ પડ્યો હશે ત્યાં માર્ગોની હાલત ખરાબ થઈ ગઈ છે. નવા બસ સ્ટેન્ડ, શનાળા રોડ, નટરાજ ફાટક, હાઉસિંગ બોર્ડ પાસે, કલેક્ટર કચેરીએ જવાના રસ્તે પોસ્ટ ઓફિસના વળાંકે, ચિત્રકૂટ સિનેમા, સિવિલ હોસ્પિટલ રોડ, રવાપર રોડ, નહેરુ ગેટ ચોકથી મંગલ ભુવન ગરબી ચોકથી કલેક્ટર કચેરી બંગલા સુધીના રોડ પર ભૂગર્ભ ગટરના કામ માટે ખોદાણ કરીને રોડને જેમનો તેમ છોડી દેવામાં આવ્યો છે. માત્ર થોડા વરસાદમાં જ શહેરના માર્ગોની દુર્દશા થઈ ગઈ છે. રોડ પર ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે. આ ખાડાઓને તારવવા જતા વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ તોળાઈ છે. ખરાબ રસ્તાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે. આવા સમયે એમ્બ્યુલન્સને પણ સમયસર પહોંચવામાં ભારે મુશ્કેલી પડે છે.