હળવદ પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી લઈ હત્યામાં વપરાયેલ કુહાડી કબ્જે કરી હળવદ : હળવદ તાલુકાના રણછોડગઢ ગામની સીમ વિસ્તારમાં આવેલ વાડીએ ૬ દિવસ પહેલા થયેલ હત્યાનો ભેદ હળવદ પોલીસે ઉકેલી હત્યા કરનાર શખ્સને તાલુકાના રાયધ્રા ગામની સીમ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. તો સાથે જ હત્યામાં વપરાયેલ કુહાડી પણ જપ્ત કરી આકરી પુછપરછ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પંથકના રણછોડગઢ ગામની સીમ વિસ્તારમાં આવેલ વાડીમાં ગત તા.રરની રાત્રીના ૬પ વર્ષિય માવુભાઈ રાજપુત (રહે.ચરાવડા)ની કુહાડીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કર્યાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી. ત્યારે વાડીમાં જ રહેતા અને મજુરીકામ કરતો વિનોદભાઈ હિરાભાઈ રાઠવા (ઉ.વ.૪૩) (મુળ રહે. બાર જિ.છોટાઉદેપુર) પર પોલીસને શંકા જતા તેની શોધખોળ આદરી હતી. જેના પગલે આજરોજ પી.આઈ. એમ.આર.સોલંકી, હે.કો.વસંતભાઈ વઘેરા, વિજયભાઈ છાસીયા, વિક્રમભાઈ સીહોરા, પંકજભા ગઢવી, ગંભીરસિંહ ચૌહાણ, દેવેન્દ્રસિંહ ઝાલા સહિતનાઓએ આરોપી વિનોદને તાલુકાના રાઈધ્રા ગામની સીમ વિસ્તારમાં બાવળની ઝાડીમાંથી ઝડપી પાડયો હતો. ઝડપાયેલા આરોપીની પોલીસની પુછપરછમાં ખુલ્યું હતું કે, તા.રરની રાત્રીના મૃતક માવુભાઈ ઉંઘમાં પોઢી રહ્યા હતા ત્યારે આરોપી વિનોદ તેઓના ખાટલે જઈ બેસી જતા માવુભાઈએ તેને કહેલ કે, અત્યારે અહીં કેમ આવ્યો છો જેવી નજીવી બોલાચાલી થતા આરોપી વિનોદ ઉશ્કેરાઈને મૃતકને આડેધડ ચારથી વધુ કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે.