હળવદની મિયાણી નદીમાં થતી ખનીજ ચોરી પર દરોડો : ૭ની ધરપકડ : ૮૭ લાખનો મુદામાલ જપ્ત હળવદ : હળવદમાં થતી બેફામ ખનીજ ચોરી સામે અંતે પોલીસે લાલ આંખ કરીને સપાટો બોલાવ્યો છે. પોલીસે ખાણ ખનીજ વિભાગને ઊંઘતું રાખીને મિયાણી નદી નજીકથી ખનીજચોરી કરતા પાંચ ડમ્પર અને બે લોડર સહિતના સાત વાહનો જપ્ત કરીને ૮૭ લાખનો મુદામાલ કબ્જે કરીને સાત શખ્શોની અટકાયત કરી છે. મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ હળવદ પીઆઈ એમ આર સોલંકીની આગેવાની હેઠળ હળવદ પોલીસની ટીમે મિયાણી ગામની સીમમાં રોયલ્ટી વિના ખનીજ ચોરી કરવામાં આવતી હોય તેવી બાતમીને આધારે દરોડો કર્યો હતો અને મિયાણી નદી નજીકથી ખનીજ ચોરી કરતા પાંચ ટ્રક ડમ્પર કીમત રૂ ૭૫ લાખ અને બે ટ્રેક્ટર લોડર કીમત ૧૨ લાખ મળીને કુલ ૮૭ લાખની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે હળવદ પોલીસની ટીમે દરોડા દરમિયાન કરમશી સમરત વઢરકિયા રહે. કડીયાણા તા. હળવદ, સાલમસિંગ કેરમસિંગ બગેલ રહે. રફાળેશ્વર મોરબી, ભરત કાનજી ચાવડા રહે. ઉમિયાનગર મોરબી, વિનોદ ચંદુ દેગામાં રહે. સુલતાનપુર તા. માળિયા, પ્રવીણ પાંચા પીપરીયા રહે. માણાબા તા. માળિયા, ગણેશ કરશન થરેસા રહે. કીડી તા. હળવદ અને નેરૂ ગવરીયા મેડા જહાલ મીયાણી તા હળવદને ઝડપી પાડ્યા છે. હળવદ પોલીસની આ કાર્યવાહીથી ખનિજચોરોમાં રીતસર ફફડાટ વ્યાપી ગયો છે.