સોશ્યલ મીડિયામાં આવેલા અહેવાલ બાદ પુરવઠા તંત્ર હરકતમાં નમૂના લેવા પણ સૂચના હળવદ : હળવદ નવા ઇસનપુરમાં કારીયાણાની દુકાનમાંથી ગરીબોને વિતરણ કરવાના ચોખાનો જથ્થો મળી આવ્યો હોવાનું સ્ટિંગ ઓપરેશનમાં બહાર આવતા ખળભળાટ મચી જતા આ મામલાની ગંભીર નોંધ લઇ જિલ્લા પુરવઠા અધિકારીએ મામલતદારને તપાસનો આદેશ કરી ફૂડ અને ડ્રગ વિભાગને ચોખાના નમૂના લેવા આદેશ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હળવદમાં સરકારી અનાજને કાળાબજારમાં વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ પંથકના નવા ઈશનપુર સહિત કડિયાણા ગામે સસ્તા અનાજની દુકાન સીઝ કરાઈ હતી જેની તપાસ હજુ પૂર્ણ થઈ નથી ત્યાં નવા ઈસનપુર ગામ (ભકિતનગર)માં આવેલ જનરલ સ્ટોરના ગોડાઉનમાં રાશનની શંકાસ્પદ મોટા પ્રમાણમાં ચોખાનો જથ્થા હોવાનું બહાર આવતા હળવદ બ્રેકીંગ ન્યૂઝ દ્વારા સ્ટીંગ ઓપરેશન કરી સરકારી ચોખાનો જથ્થો ખાનગી દુકાનમાં બાચકા બદલી રાખવામાં આવ્યો હોવાનો પર્દાફાશ કર્યો હતો. વધુમાં હળવદ બ્રેકીંગ ટીમ નવા ઈસનપુર ગામના જનરલ સ્ટોરના ગોડાઉનમાં જનરલ સ્ટોરના માલિક કિરીટ ઈશ્વરભાઈ પરમારને સાથે રાખી સ્ટીંગ ઓપરેશન હાથ ધરતા કાળા બજારીઓના રાશનની પોલ છતી થઈ હતી. અને ત્યાં રહેલ સરકારી નિગમનો અનાજનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ સરકારી અનાજનો જથ્થો કોનો છે ? અને કયાંથી આવ્યો ? તે સમગ્ર તપાસમાં ભાંડાફોડ થાય તે માટે સમગ્ર બાબતને પ્રજા સમક્ષ ખુલ્લી પાડી હતી અને જિલ્લા પુરવઠા વિભાગ અને હળવદ મામલતદાર દ્વારા નવા ઈશનપુરના કાળા બજારી કરતા શખ્સ સામે શું કાર્યવાહી કરવામાં આવશે ? તેવા વેધક સવાલ ઉઠાવ્યા હતા. દરમિયાન આજે જિલ્લા પુરવઠા અધિકારી દમયંતિબેન બારોટ આ બાબતની ગંભીર નોંધ લઈ હળવદ મામલતદારને તાકીદનો પત્ર પાઠવી ઇસનપુરમાં તપાસ કરવા આદેશ કર્યો હતો સાથો સાથ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જનતુનાશક દવા સાથે પડેલા આ જથ્થાના નમૂના લેવા પણ આદેશ જારી કર્યો હતો. આમ, હળવદ પંથકમાં ચાલતા કાળાબજારી પ્રકરણમાં અઓશ્યલ મીડિયાના સ્ટીન્ગ ઓપરેશન બાદ વધુ એક તપાસ શરૂ થતાં સરકારી અનાજનો કાળો કારોબાર કરનાર તત્વોમાં હડકંપ મચી ગઇ છે.