ઈમાનદાર પોલીસ અધિકારી સોનારાની બદલી નહી રોકાઈ તો રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી મોરબી : રાજકોટમાં રાજકીય આગેવાન સાથે ઘર્ષણ થયા બાદ પીઆઇની તાત્કાલિક બદલી કરી નાખવાની ઘટના સામે વિરોધ નોંધાવી શિવસેનાએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી. સાથે જો આ બદલી રોકવામાં નહિ આવે તો રાજ્યવ્યાપી આંદોલન કરવાની શિવસેનાએ ચીમકી આપી છે. શિવસેના દ્વારા જિલ્લા કલેક્ટરને રજુઆતમાં જણાવાયુ હતું કે રાજકોટ મહાનગર પાલીકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી થઈ રહી હતી. ત્યારે એક રાજકીય આગેવાનનો ઓટલો તોડી પાડવામાં આવતા તેને ઉશ્કેરાઈ જઈને ફરજ પરના પોલીસ ઇન્સ્પેકટર સોનારા સાથે અણછાજતું વર્તન કર્યું હતું. આ પીઆઇ તો ઈમાનદારીથી પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. વધુમાં જણાવ્યું કે રાજકીય પાવરથી પી આઈ સોનારાની બદલી કરવામાં આવી છે. જે વ્યાજબી નથી. જો ૨૪ કલાકમાં આ બદલીને રોકી દેવામાં નહિ આવે તો વિરોધ દર્શક કાર્યક્રમ કરવામાં આવશે સાથે રાજ્યવ્યાપી આંદોલન પણ થશે.