મગફળી કૌભાંડમાં અંતે નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાએ મૌન તોડ્યું : મોરબી જિલ્લામાંના મગફળી ગોડાઉનમાંથી એક કિલો કાંકરી શોધી આપવા સરકારને ચેલેન્જ ટંકારા : બહુ ચર્ચિત મગફળીમાં માટી ભેળવવાના કૌભાંડમાં ગુજકોટના મેનેજર સહિતની ધરપકડ બાદ અંતે આજે નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાએ મૌન તોડી મગફળી કૌભાંડ માટે ગુજરાતની ભાજપ સરકાર જવાબદાર હોવાનું જણાવી સરકારે ફડચામાં ગયેલી મંડળીઓને મગફળીની ખરીદી સોંપવાને કારણે જ કૌભાંડ સર્જાયું હોવાનું ખુલ્લેઆમ જણાવ્યું હતું. આજે ટંકારા તાલુકા કોંગ્રેસની કારોબારી બેઠકને સંબોધતા વાઘજીભાઈ બોડાએ જણાવ્યું હતું કે મગફળી કૌભાંડમાં ભાજપ સરકારના કૃષિમંત્રી નાફેડ સામે આંગળી ચીંધી રહ્યા છે, જો નાફેડ જ જવાબદાર હોય તો સરકારે નાફેડ વિરુદ્ધ કેસ કરવો જોઈએ પરંતુ સરકારની જ ભૂલના કારણે ટેકાના ભાવે ખરીદાયેલ મગફળીમાં ભેળસેળ થઈ છે. ગુજરાત સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ગુજરાત કોટન ફેડરેશનને ૮૦ ટકા મગફળીની ખરીદીનું કામ સોંપ્યું હતું જે ફડચામાં હોવાનું સરકાર જાણવા છતાં આ ભૂલ કરેલ છે. આ ઉપરાંત ફડચામાં ગયેલ દૂધ મંડળીઓ અને સંઘોને શા માટે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની સતા આપવામાં આવી હતી તેવો અણિયારો સવાલ ઉઠાવી વાઘજીભાઈ બોડાએ પોરબંદર, કુતિયાણા,ગોંડલ અને જામનગરની મંડળીઓ દ્વારા જે ખરીદી કરવામાં આવી તે શંકાના પરિઘમાં હોવાનું જણાવ્યું હતું. આ તકે વાઘજીભાઈ બોડાએ ખુલમખુલ્લાં જણાવ્યું હતું કે ચોર તો સરકાર જ છે એ અમોને બદનામ કરવા અમારા ઉપર ૩૦ વર્ષથી આક્ષેપ કરી રહી છે, તેમણે ઉમેર્યું હતું કે ગુજકોમાસોલના ચેરમેન અને મુખ્યમંત્રી વચ્ચે મન મેળ ન હોવાથી ફડચામાં ગયેલ મંડળીઓને ખરીદીનું કામ સોંપાયુ હતું. વાઘજીભાઈ બોડાએ ગુજરાત સરકારને ચેલેન્જ આપતા જણાવ્યું હતું કે મોરબી-ટંકારા મારો વિસ્તાર છે ત્યાંથી એક કિલો કાંકરી શોધા આપો તો હું જાહેર જીવન છોડી દઇશ અને આત્મવિલોપન કરીશ, ઉપરાંત તેઓએ ગુજકોટના મગન ઝાલાવડીયાની ઓડીયો કલીપ મામલે જણાવ્યું હતું કે ઓડિયો કલીપમાં જેટલા લોકોના નામ લેવામાં આવ્યા છે તેની ધરપકડ કેમ નથી કરવામાં આવતી. આ તકે વાઘજીભાઈએ નાફેડ મુશકેલીમાં હતું ત્યારે ભાજપના મિત્રોએ સંસ્થાને ટેકો આપ્યો હોવાનું સ્વીકાર્યું હતું જો કે ટંકારા તાલુકા કોંગ્રેસની કારોબારી સમિતિની બેઠકમાં વાઘજીભાઇ બોડાના સરકાર ઉપર પ્રહાર કરતા નવજુનીના એંધાણો મળી રહ્યા છે.