ચીફ ઓફિસર દ્વારા શનાળા રોડ, ધોળેશ્વર અને પુલનીચેના દબાણકારોને નોટિસ મોરબી : મોરબી પાલિકા તંત્રએ થોડા દિવસ પૂર્વે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. ત્યારે તે સમયે શનાળા રોડ, ધોળેશ્વર ખાતે તથા પુલ નીચેના દબાણકારોને નોટિસ ફટકારી હતી. હવે આ સ્થળોએ સોમવારે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાશે તેમ ચીફ ઓફિસરે જણાવ્યું છે. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે થોડા સમય પૂર્વે દબાણો હટાવ્યા બાદ સોમવારથી ફરીથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જેમાં શનાળા રોડ પરના માર્કેટીંગ યાર્ડ પાસે ૧૦, ધોળેશ્વર ખાતે ૨૦ અને પુલની નીચેના ૬ દબાણો સ્વેચ્છાએ હટાવી લેવામાં નહિ આવે તો સોમવારથી તમામ સ્થળોએ પાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવી લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન ખત્રીવાડ પાસેના દબાણકારોને સૂચના આપ્યા બાદ દબાણ હટાવવાની કોઈ કાર્યવાહી કરી નથી. ત્યારે સોમવારથી ખરેખર પાલિકા તંત્ર દબાણ હટાવ હાથ ધરશે કે કેમ?