રૂપિયા ૧૦ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર ઓવરબ્રિજની ડિઝાઇન મંજુર : હવે આગળની કાર્યવાહી શરૂ કરાશે મોરબી : મોરબી શહેર અને સામાકાંઠા વિસ્તારને જોડતા મુખ્ય માર્ગ પર ટ્રાફિક સમસ્યાના કેન્દ્રબિંદુ સમાન નટરાજ ફાટક પર રૂપિયા ૧૦ કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનવવા કેન્દ્ર - રાજ્ય સરકાર ભાગીદારી કરશે અને આ માટેની ડિઝાઇન પણ મંજુર કરી લેવામાં આવી હોવાનું ભાજપ દ્વારા જાહેર કરાયુ છે. જોકે હજુ આ અંગે તંત્ર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારાના કાર્યાલય તરફથી મોકલવામાં આવેલી સતાવાર યાદી મુજબ મોરબી સામાકાંઠા વિસ્તારમાં જવા મયુરપુલ પાસેના છેડે આવેલ નટરાજ રેલ્વે ફાટક પાસે સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાનું નિરાકરણ લાવવા મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારા, જિલ્લાના સાંસદ, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા કલેકટર, એસ.પી., કાર્યપાલક ઇજનેર તેમજ પ્રાદેશિક કમિશ્નર વગેરે દ્વારા આ વિષયમાં મહત્વની ભૂમિકા ભજવી સરકારમાં રજુઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત ૧૫ દિવસ પહેલા ઉપરોક્ત અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા મંત્રણા અને રજૂઆતો થયેલ જેના કારણે કન્સલ્ટન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ ડિઝાઈનને એનઓસી પ્રાપ્ત થયેલ છે અને હવે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી આગળનો પ્લાન એસ્ટીમેન્ટ માટેની કાર્યવાહી શરૂ કરી દેવા વિગતો તંત્ર દ્વારા મોકલી આપવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત અર્બન ડેવલોપમેંટ મિશન ઓથોરીટી દ્વારા વર્ષ ૨૦૧૪ માં રેલ્વે ઓવર બ્રીજ માટે રૂપિયા ૧૦ કરોડ મંજૂર કરવામાં આવેલ હતા. વધુમાં આ પૂર્વે રેલ્વે લાઇન નીચે રેલ્વે અંડર બ્રીજ માટે વિચારણા કરવામાં આવેલ પરંતુ વરસાદની સીજન વખતે બાજુમાં મચ્છુ નદી પસાર થતી હોય, પાણી ભરાય જવાનો ભય રહેતો હોય. આ ડિઝાઇનને પુનઃ વિચારણા કરવા માટે મૂકવામાં આવેલ. તે અનુસંધાને નટરાજ ફાટક પાસે મંજૂર થનાર રેલ્વે ઓવર બ્રીજ માટે કન્સલ્ટન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ ડિઝાઈનને એનઓસી મળી જતા હવે આગળનો પ્લાન એસ્ટીમેન્ટ માટેની કાર્યવાહી શરૂ કરી દેવા વિગતો તંત્ર દ્વારા મોકલી આપવામાં આવેલ છે. રેલ્વે ઓવર બ્રીજના કુલ એસ્ટીમેંટની રકમના ૫૦ ટકા રકમ રાજ્ય સરકાર તેમજ ૫૦ ટકા રકમ રેલ્વે વિભાગ (કેન્દ્ર સરકાર) દ્વારા ખર્ચ કરવામાં આવનાર હોવાનું મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય પ્રભારી વિજયભાઇ લોખીલની યાદીમાં જણાવામાં આવ્યુ હતું. જોકે નટરાજ ફાટકે ઓવરબ્રિજ બનાવવાની વિચારણા લાંબા સમયથી ચાલી રહી છે. આ મુદ્દે અનેક વાર રાજકીય નિવેદનો આવ્યા છે. ત્યારે હાલમાં નટરાજ ફાટક પાસે ટ્રાફિક જામનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે ભાજપ દ્વારા આ મુદ્દે ઓવરબ્રિજ અંગે ફરીથી નિવેદન જાહેર કરાયુ છે. જોકે આ મુદ્દે તંત્ર દ્વારા કોઈ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે નટરાજ ફાટક પર ઓવરબ્રિજ કયારે બનશે તે હજુ કઈ નક્કી નથી.