બે શખ્સોએ મળીને બે સીરામીક એકમ અને એક વેપારી પાસેથી બાકીમાં માલ મંગાવ્યા બાદ પૈસા આપ્યા ન હતા મોરબી : મોરબીમાં બે સીરામીક એકમ અને વેપારી સાથે રૂ.૧૯.૧૦ લાખની ઠગાઈ કરનાર બે શખ્સ પૈકી એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે બીજા આરોપીને પકડી પાડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. મોરબીના સામાકાંઠે આવેલ ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ નામની ઓફીસ ધરાવતા જગદીશભાઈ ભીખાભાઇ વામજા પાસેથી જીતેન્દ્રભાઈ મનસુખભાઇ જાકાસણીયા અને કરન ભુપેન્દ્રગિરી ગોસ્વામી બે કોલસાની ગાડી ભરીને લઈ ગયા હતા. બાદમાં પેમેન્ટ ન ચૂકવીને રૂ. ૪.૧૦ લાખની છેતરપિંડી આચરી હતી. આવી જ રીતે આ બન્ને શખ્સોએ મોરબીની લોરેનજો સીરામીક કંપની પાસેથી રૂ. ૭ લાખ અને ક્લેન સીરામીક કંપનીમાંથી રૂ. ૫ લાખની ટાઇલ્સ લઈને પેમેન્ટ ચૂકવ્યું ન હતું. આ બન્ને શખ્સોએ કુલ રૂ. ૧૯.૧૦ લાખની છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે જીતેન્દ્ર જાકાસણીયાને ઝડપી લઈને પુછતાછ હાથ ધરી છે.