મોરબીમાં નાફેડના ચેરમેન વાઘજીભાઇ બોડાની સાફ વાત મોરબી : જેતપુર તાલુકાના પેઢલા ગામે ટેકાના ભાવે ખરીદાયેલ મગફળીના ગોડાઉનમાં ધૂળ, ઢેફા અને કાંકરાની વ્યાપક ભેળસેળ ખુલી પડ્યા બાદ હાલ પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાએ મગફળી કાંડમાં મારે કઈજ કહેવું નથી તેવી સાફ - સાફ વાત આજે મોરબી ખાતે કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડા આજે મોરબી દૂધ સહકારી મંડળીની મિટિંગમાં હાજર રહ્યા હતા, આ તકે વાઘજીભાઈ બોડાને મગફળીકાંડ વિશે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે આ પ્રકરણમાં રોજે રોજ નવા સ્ટેટમેન્ટ આવે છે હું રોજ નિવેદન આપવા નવરો નથી. વાઘજીભાઈએ રોષભેર જણાવ્યું હતું કે એ લોકો ને જે તપાસ કરવી હોય એ કરે ભલે જેલમાં નાખવો હોય તો નાખે મને કોઈ ફરક પડતો નથી !! ( એ લોકો કોણ ? ) જો કે મગફળીકાંડમાં ઘોડા છૂટી ગયા બાદ તબેલે તાળા જેવા ઘાટ વચ્ચે હાલમાં મગફળી કાંડમાં રાજકીય રંગ લાગતા નવા જુનીના સંકેતો મળી રહ્યા છે.