જેતપુરના પેઢલા ગામે મગફળીના ગોડાઉનમાં કાંકરા ઢેફા મળી આવવા મામલે પોલીસે અડધી રાત્રે ટંકારાના ત્રણ શખ્સોને ઉઠાવી લીધા બપોર બાદ પ્રેસ કોંફરન્સમાં ધડાકા - ભડાકા : અગ્રણી રાજકીય આગેવાનના સાગાને ઉપાડયો હોવાની ચર્ચા મોરબી : ટેકાના ભાવે ખરીદાયેલ મગફળીમાં ધૂળ, ઢેફા, અને કાંકરા મિક્ષ કરી કરોડો રૂપિયાના કૌભાંડ આચરવાના કૌભાંડમાં જેતપુર તાલુકાના પેઢલા ગામના ગોડાઉનની તપાસનો રેલો મોરબી જિલ્લાના ટંકારા સુધી પહોંચ્યો હોવાની વિગતો બહાર આવી છે. ટોચના વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ જેતપુરના પેઢલા ગામના ટેકાના ભાવે ખરીદ કરાયેલી મગફળીના ગોડાઉનમાં મગફળીના જથ્થામાં મગફળી ઓછી અને ધૂળ, ઢેફા કાંકરા હોવાનું ખુલતા સરકાર હચમચી ઉઠી છે. આ સંજોગોમાં ગઈકાલે રાત્રે તપાસનીશ રાજકોટ જિલ્લા પોલીસ ટીમ દ્વારા ગતરાત્રીના મોરબી જિલ્લાના ટંકારા ગામેથી ત્રણ ઇસમોને ઉપાડી લેવામાં આવ્યા હોવાનું વર્તુળો જણાવી રહ્યા છે. દરમિયાન પોલીસે મોડી રાત્રે કે ત્રણ શખ્સોને ઉપાડી લીધા છે તેમા એક રાજકીય આગેવાનનો સગો પણ સામેલ હોવાનું બહાર આવતા ટંકારામાં ચકચાર જાગી છે. જો કે આ મામલે સાંજ સુધીમાં મોટા કડાકા ભડાકા થવાના એંધાણો વચ્ચે રાજકોટ જિલ્લા પોલીસવડા દ્વારા પ્રેસ કોંફરન્સ બોલાવવામાં આવી છે જેમાં વધુ ખુલાસા થનાર હોવાનું જાણવા મળ્યું છે.